પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧૦૪


આતાભાઈને બાપની મરજાદની હદ આવતી હોય એમ થયું. એના હોઠ ફફડવા લાગ્યા, એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું, તોય બાપુ સમજ્યા નહિ; ત્યારે એણે બાપનો હાથ ઝોંટી, ઘોડીને એડી મારી કહ્યું : “ખસી જા ભગતડા ! એમ રાજ ન થાય !”

બાપ જોતા રહ્યા, ડાયરો “ હાં હાં ” કરતો રહ્યો. આતાભાઈની ઘોડીને જાણે પાંખે આવી.

જોતજોતામાં તે પંથ કાપી નાખ્યો. દૂર દુશ્મનોને દીઠા. બે અસવારો છે, એકની બેલાડ્યે બાઈ માણસ બેઠેલું છે. બાઈની ચૂંદડી પવનમાં ઊડતી જાય છે. વગડામાં અબળા ધા ઉપર ધા નાખી રહી છે, બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતા પોતાની ઝગમગતી બરછી બતાવીને બાઈને ડરાવતો જાય છે. 'ઢેઢનું કોઈ ધણી નહિ' એવી ધા સંભળાય છે. વગડામાં કામ કરતાં લોકો ઊભાં થઈ રહે છે અને વીલે મોંએ વાતો કરે છે : “બાઈ ભાગેડુ લાગે છે.”

સોળ વરસનો એકલવાયો આતાભાઈ આ ત્રાસ જોતો, ઘોડીને દબાવતો, વંટોળિયા જેવો વેગ કરતો, લાલચટક મોઢે લગોલગ આવી પહોંચ્યો. ખળખળિયા વોંકળાને વળોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો. હાક પાડી : “ હાં કાઠીડાઓ ! હવે માટી થાજો : અબળાને ઉપાડી જનાર શૂરવીરો ! સૂરજના પોતરાઓ ! હવે માટી થાજો, હું આતોભાઈ !”

ત્યાં તો ઘોડાંનાં ભેટંભેટાં થઈ ગયાં. કાઠીડાઓ બરછીનો ઘા કરે તે પહેલાં તો આતાભાઈ નો ભાલો એકની ઘોડીનાં તોરિંગનાં પાટિયાં વીંધીને પાર થઈ ગયો, અને બીજાનું બાવડું તલવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું.

કાઠીએાને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી. પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે