પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨ : ૨

૧૨૮


"આપા મૂળુ ખાચર ! ઝાઝી વાર નથી થઈ. હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા. મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે.”

કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળુ ખાચરની આંખેામાંથી ઊનાં ઊનાં આંસુ દડી પડયાં. એનું કલેજું સડસડ્યું. “અરે હાય હાય હાય ! કાઠી લૂંટઝૂંટ કરે; કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ, કાઠીનાં પાપ તો પાર વગરનાં; પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજી છે. આજ પાંચાળને પાદર કચ્છી રજપૂતોએ કાળો કામો કર્યો, અમારી દેવભોમ લાજી. સતી પાંચાળીનું આ પિયરિયું શરમાણું. પણ કેશવદાસ ગઢવી ! આ લ્યો, આ કોલ. ત્રણ દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળુ ખાચર સૂરજપૂતર નહોતો, - તો એના માવતરમાં ફેર જાણજો !"

“બસ, આપા ! તો હવે કસૂંબા પીએં !”

કસૂંબા લઈને મૂળુ ખાચર ગામતરે ન જતાં પાછા વળ્યા. પણ દેવને કરવું છે તે એ જ રાતથી આપાને માથાનો દુ:ખાવો ઊપડ્યો. તાવ ચડયો. ટીકર તો આઘેરું રહી ગયું. સ્વર્ગાપરના દરવાજા દેખાયા. પણ જીવ કેમેય કરીને જાતો નથી.

દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછયું : “બાપુ ! જીવ કેમ જતો નથી ? પાંચાળમાં સહુ ટોળો કરે છે કે મૂળુ ખાચર સતવાદી મોતથી ડરી ગયો. બાપુ, જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ?”

“બેટા !” મરતાં મરતાં બાપે દીકરાને હાથ દાબીને કહ્યું” : “તારો બાપ મોતથી ન ડરે; પણ મારા જીવતરનું એક કામ રહી ગયું, ટીકર મારવી હતી, પાંચાળીનાં થાન તાણવા આવનાર સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા. પાંચાળની દીકરિયુંનાં રૂપ એ રજપૂતોથી ન દેખી શકાયા. હવે પાંચાળીએા