પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૨

૧3૪


અસલમાં કાઠીએાના ઓરડાની અંદર એક પછીતની પડખોપડખ બીજી પછીત ચણાતી. વચ્ચે રહેલા પોલાણને પછીતિયું કહેવાતું. મોયલી પછીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછીતે ચાકળા, ચંદરવા, તોરણ અને વાસણની રૂપાળી માંડ માંડી દેતા. કાઠિયાણીને જેવું ઘર શણગારતા આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે? એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે ! એના ઓળીપામાં જે સુંવાળપ ઝળકી ઊઠે છે તે એની હથેળીએાની હશે કે એના હૈયાની ? ચાકળા-ચંદરવાનું ઓઢણું એાઢીને જાણે ચારે ભીંતો હસતી લાગે છે, પણ એ ભીંતોના અંતરમાં શું છે ? કાળું ઘોર પછીતિયું !

જોઈ-જોઈને થાકેલી એની આંખો મળી ગઈ. મામૈયો ખાચર તો ક્યારનોય ઘોરતો હતો. બેલડી ભરનીંદરમાં પડી એ વખતે એ હસી રહેલા ઓરડાના ચંદરવા ખસેડીને પછીતિયામાંથી ત્રણ જણ નીકળ્યા. ઊંઘતા મામૈયાનું ગળું વાઢીને ચૂપચાપ નીકળી ગયા. થોડી વારે ભીનું ભીનું લાગતાં કાઠિયાણી જાગી ગઈ. કારમો બનાવ દેખીને એણે ચીસ પાડી.

સુદામડા ગામની આખી વસ્તી નીંભણી નદીને કાંઠે દરબાર મામૈયા ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી. સુદામડાના ઘાટીદાર લાખા કરપડાએ વસ્તીને હાકલી: “દરબારનો મારનાર બીજો કોઈ જ નથી, એનો સગો ભાઈ શાપરવાળો લાખો ખાચર જ છે. લાખાને ગરાસને લોભ લાગ્યો છે; ભાઈને મારીમારીને એને ભોં ભેળી કરવી છે; ને આજ એ આંહી કબજો લેવા આવશે.”

વસ્તી ચૂપ રહી. માંહોમાંહે સહુ ગુપપુસ કરવા માંડયા : “ભાઈએ ભાઈઓ વાઢે એમાં આપણે શું ? કયે સવાદે આપણે