પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
11

જેની જીવનકથાઓ આલેખાય છે તેઓની જ ભાષા યોજાવી જોઈએ – નહિ તો ભાવો માર્યા જાય છે, ને અસલી જીવનની જોરદાર છાપ ઊઠતી નથી, અને ભાષા તો જીવનની તસવીર છે, માનવ-ઇતિહાસની જિહ્વા છે : એને ન ઓળખીએ તો જીવનની સાચી ઓળખાણ ક્યાંથી ? આજનો માનવી સ્વાભાવિક જીવનથી દૂર ચાલ્યો ગયો છે; તેટલે દરજ્જે અસલી ભાષાનું જોર એ હારી બેઠો છે. કૃત્રિમતાના લોચા વાળતી આપણી જીભ અને નિશ્ચેતન વર્ણસંકરી વાણીને ટેવાયેલા આપણા કાન અવશ્ય પુરાણી શુદ્ધ ભાષાને જલદી ઝીલી નહિ શકે, તથાપિ, અસલી વીર-જીવનના સાચા પડછંદા ઝીલવા હોય તો થોડી મહેનત લઈ એ જૂની ભાષામાં પ્રવેશ કરવો. પણ આ યુગમાં એ સહુને માટે સહેલ નથી. શબ્દકોશ વગેરે સાધનો વાટે આપણે પરસ્પર મહેનત કરવી રહી.

ઝવેરચંદ મેઘાણી

સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર

જન્માષ્ટમી : સં. ૧૯૮૧