પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

10

પ્રવેશકની પરિમિતતા ટાળવા ખાતર પાઠકે મારા અન્ય પ્રવેશકો પણ તપાસી જાય એટલું માગું છું; સમગ્રતાની દૃષ્ટિ પકડવા માટે આટલું આવશ્યક ગણું છું.

ઝવેરચંદ મેઘાણી

સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર

માગશર પૂર્ણિમા : સં. ૧૯૮૫

[પહેલી આવૃત્તિ]

રેક વખતે લખાતાં નામોમાં આ વખતે એક પ્રિય નામ ઉમેરવાનું બને છે : ગઢવીશ્રી ગગુભાઈ રામભાઈ નીલાનું. સૌરાષ્ટ્રના નાનકડા કાઠી-સંસ્થાન વડિયા-તાબે સનાળી ગામ, જે આ 'રસધાર' માંહેલા વીર રાઠોડ ધાધલની શેષ યુદ્ધલીલાની યશભૂમિ છે, ત્યાંના રહીશ આ શ્રી ગગુભાઈ ગઢવીએ મારા પ્રત્યે શુદ્ધ સ્નેહભાવથી પ્રેરાઈને મને કેટલીએક વાર્તાઓ આપી છે, અને કાઠી જાતિની સંસ્કૃતિનો વિશેષ પરિચય કરાવ્યો છે. એમની ખ્યાતિ જેતપુર પંથકનાં કાઠી રાજ્યોમાં સારી છે. એમની રસભરી વાર્તાશૈલીનો આસ્વાદ 'ગુજરાત મહાવિદ્યાલય'નાં બહેન બધુંએાએ લીધો છે ને હજી એ સ્મૃતિ જાળવી છે. એમના પૂર્વજ કશિયાભાઈ ગઢવી તદ્દન નિરક્ષર તથાપિ કોઈ સંતની કૃપા પામીને ધુરંધર ચારણ કવિ થયા હોવાનું પ્રસિદ્ધ છે. સોરઠના ચારણ કવિઓનો ઇતિહાસ લખીશ તે વેળા કશિયાભાઈનો સંપૂર્ણ પરિચય કરાવીશ. શ્રી ગગુભાઈની છાપ તો ભવિષ્યના ભાગોમાં પણ પડતી જ આવશે.

બીજું નામ હડાળા દરબાર શ્રી વાજસુર વાળા સાહેબના આશ્રિત ગઢવી શ્રી જલાભાઈનું છે. પોતાની ઠાવકી અને વ્યવહારુ બુદ્ધિ વડે એમણે કાઠી ઇત્યાદિ કોમોના રીતરિવાજ, ખાનપાન, વસ્ત્રાભૂષણ વગેરેની સમજ પાડી સોરઠને વધુ ઓળખાવ્યા છે.

પ્રથમ ભાગમાં કોઈ ચોક્કસ ભાષાશૈલી નહોતી સ્વીકારી. બીજા ભાગમાં સોરઠી પરિભાષા તથા વાક્યરચના લાવવાની શરૂઆત થઈ. ત્રીજા ભાગમાં એ અસલી ભાષાશૈલીને જરા જોર અપાયું છે,