પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
9


મુદ્રણની મુશ્કેલીઓ ન નિવારાય તેવી હોવાથી છેલ્લા એક વર્ષથી આ બીજી આવૃત્તિની છપાઈ ઠેલાયે જતી હતી, અને વાચકોની ઉત્સુકતાને ધક્કા મારવા પડતા હતા, છેવટે અત્યારે, શૈલી અને સામગ્રીનું બન્યું તેટલું શુદ્ધીકરણ કરીને, જાહેર પ્રજા સન્મુખ આ નવી આવૃત્તિ ધરી શકાઈ છે.

આટલો આદર મળ્યાની પ્રતીતિ થયા પછી પણ હું આ સંગ્રહની ત્રુટીઓ વિષે, ઘણું કરીને તો, ભ્રમણામાં નથી જ પડી રહ્યો. કેટલીએક સ્વતઃ સૂઝેલી તેમ જ કેટલીએક ટીકાકારોએ સૂચવેલી ત્રુટીઓનું નિવારણ મને જેટલું જરૂરી લાગ્યું તેટલું હું કરતો જ આવું છું – તેમ હવે પછી પણ, વિના શરમે, કરતો જ રહીશ. મારા આલેખનની તેમ જ વિવેચનની અંદર નવી અને જૂની યુગદૃષ્ટિની અથડાઅથડીનું જ્યાં જ્યાં મને ભાન થતું જાય છે, ત્યાં ત્યાં મેં શબ્દરચનાને નિર્દોષ બનાવવાની સાવધાની વાપરી છે. ધૂળમાંથી ખોદી યથામતિ સાફ કરેલી આ ધાતુ શાણા વાચકોના વિવેકની ભઠ્ઠીમાં તવાઈને શુદ્ધ કંચન બને તે જ મારો કોડ છે. મારું શોધેલું હોવાને કારણે એ સોનું જેવું મે રાખ્યું તેવું મેલું જ રહેવું જોઈએ – એવા અહંભાવથી બચવા હું સતત પ્રયત્નશીલ છું.

'દિલાવર સંસ્કાર'વાળો મારો પ્રવેશક આજથી ત્રણ વર્ષ પૂર્વે લખાયો છે. અને એ લાંબો હોવા છતાંયે અપૂર્ણ જ છે. કેવળ આ કથાઓમાંથી જ નહિ, પણ રાસ, ભજનો, વ્રતો, મર્મભાષિતો, રીતરિવાજો, કલાકારીગરી ઇત્યાદિ સાહિત્ય તેમ જ જીવનનાં તમામ અંગોની છણાવટથી જ સોરઠી સંસ્કૃતિના ગુણદોષનું નવનીત વલોવી શકાય. આવો એક પ્રયાસ કરવાનો મનેારથ મનમાં ઘોળાય છે.[૧]* પરંતુ અત્યારે તો, મારા જુદા જુદા સંગ્રહની અંદર જુદા જુદા જ પ્રવેશકો મૂકી શક્યો છું – અને તેમાં પણ મુખ્ય દોર ભાવના જાગ્રત કરવાનો રહે છે. એ રીતે, આ પુસ્તકો માંહેલા


  1. *આવા પ્રયાસરૂપે મેં 'લોકસાહિત્ય : ધરતીનું ધાવણ' એ નામના મારા પ્રવેશકો તેમ જ ઇતર લેખોના બે ખંડો પ્રકટ કરેલ છે.