પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર

16

ફાડ જેવી એ આંખો ! લોહી-મિશ્રણનું આ બીજું રમ્ય દૃષ્ટાંત : નવલકથા કે દંતકથા નહિ, પણ તાજી જ ઇતિહાસ-કથા.

કાઠી

આજ જે વીર્યવંત જાતિનું નામ ધારણ કરીને આ કાઠિયાવાડ ઊભો છે, તે જાતિના બીજમાં પણ કેવાં મિશ્ર લોહીનાં મધુર સિંચન થયાં છે ? ઢાંકના સૂર્યપૂજક વાળા રાજાને જંગલી પટગર કાઠીઓની સહાય મળી. અથવા કોઈ કહે છે કે એણે પટગરોને સિંધના બાદશાહથી રક્ષણ આપ્યું. એ મહોબ્બતને તો વાળા રાજાએ પોતાની જાતનો ભાગ આપીને અમર બનાવી. પટગરની પુત્રી રૂપાંદેને એણે પોતાના પવિત્ર અંગની અર્ધાંગી બનાવી. ક્ષત્રીવંશમાંથી બહિષ્કાર મળ્યો તે એણે માથે ચડાવ્યો. શાસ્ત્રના ધર્મ ને જ્ઞાતિના ધર્મ કરતાં પણ વીરધર્મ એણે વધુ વહાલો કરી લીધો. રૂપાંદેનાં માવતરે કડક શરત મૂકી કે, 'મારા ભાણેજોની વચ્ચે ભેદભાવ રાખવા નહિ પાલવે.' વાળાએ એવા કરારને પણ મંજૂર રાખ્યો. આજ કાઠી રાજ્યના કુંવરો વચ્ચે પાટવી-ફટાયા જેવો ભેદ હોવાને બદલે 'ભાઈએ ભાગ' પ્રથા ટકી રહી છે તે પાંચસો વરસના પ્રેમપ્રેરિત, વીરધર્મપ્રેરિત રક્તમિશ્રણનો પુરાવો છે. વાળા, ખાચર અને ખુમાણ કાઠીઓનાં પચીસ હજાર જીવંત માનવીઓ એ બલિદાનની ઉચ્ચતા ઉજવતાં આજ પણ ઊભાં છે.

મોટાભાઈ

હજુ તો થોડાં જ વર્ષ પૂર્વે પોરબંદર રાજની તખ્તનશીની વખતે જેઠવા રાજાના કપાળ પર જે લોહીનું તિલક કરવામાં આવ્યું હતું, તે લોહીનું ટીપુ કોનું હતું ? પોતાની ટચલી આંગળી વાઢનાર એ બખરલા ગામનો વીરમ પટેલ રાજસખા નામની મેર શાખાનો એક વંશજ છે. હનુમંતના સંતાન તરીકેનું ગૌરવ લેનાર જેઠવા વંશમાંથી એક સમયે એક આશક અવતર્યો. તેણે પોતાનો પ્યાર એક વનવાસિની મેર-કન્યાને સમર્પ્યો. પોતે પોતાની મેળે જ વંશભ્રષ્ટ થઈ ગયો. પોતે મોટો ભાઈ હોવા છતાંય રાજપાટનો હક્ક મૂકી દીધો. નાના ભાઈને ગાદીએ બેસાડી, પોતાની ટચલી આંગળીમાંથી લોહીનો ટશિયો કાઢી