પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
19

દિલાવર સંસ્કાર [પ્રવેશક ]

પાણિયારેય ન અડવા દીધો. અરે ભાભી, મેં એનું ટીપુંય નથી પડવા દીધું : પણ તમે એની સાથે વસ્યા ખરા ને : ભાભી ! સાથે વસવાનું પણ ન સાંખે તેવો નિર્દય તારો હિન્દુ ધર્મ ! માનવધર્મ એનાથી મોટો છે. હાલાજીએ પાછા જઈ સુલતાનને કહ્યું : ચાલો બાદશાહ, મને ઇસ્લામની દીક્ષા આપો.

હાલોજી વટલ્યો, પણ તેથી શું ? એનું મનુષ્યત્વ ન લોપાયું. એક દિવસ હાકલ પડી કે ગાયોનાં ધણ ચોરાય છે. પાણી પીવાયે એ મુસલમાન ઊભો ન રહ્યો. ધંધુકાની સીમમાં ગાયોને લૂટનારાઓ સાથે સમશેરનો મુકાબલો કર્યો. આજ ધંધુકાની સીમમાં 'હાલા પીર'ની દરગાહ સાક્ષી આપે છે. અને એની વિધવા રાણીએ સુલતાન પાસે જઈને શું માગ્યું ? સ્વામીના મૃત્યુસ્થાન આસપાસની જમીનને ગૌચર તરીકે દેવાની માગણી. હિન્દુ ધર્મને તિરસ્કાર દઈને મુસલમાન થયેલો માનવ ગાયને માટે મર્યો. મુસલમાનોએ એમાં પીર સ્થાપ્યો. પતિવ્રતા સ્ત્રીએ સ્વામીની જારતમાં ગૌચરો અપાવ્યાં, અને મુસલમાન રાજાએ વિના આગ્રહે ગૌચરો દીધાં. ચારસો વર્ષ વીત્યે અંગ્રેજ રાજ્યે એ ગૌચર રદ કીધાં ! સંસ્કૃતિનાં નોખ-નોખાં પાનાં વાંચી લ્યો.

આજે એ ઉદાર માનવધર્મી હાલાજીની સંતતિ બીજાં ઘણાં ઘણાં બિરદ ભલે ગુમાવી બેઠી હોય, પરંતુ ગાયો પ્રત્યેનો ધર્મભાવ હજુ તે પ્રજામાં સજીવન છે. અહિંસાનો લોપ નથી થયો. હિન્દુ ધર્મ પ્રત્યે તેઓની કરડી નજર નથી. તેએાની લગ્ન તેમ જ મરણની અનેક વિધિઓમાં હિન્દુત્વ હાજર છે. ઝનૂન જેવું તો જરાયે તત્ત્વ તેઓને નથી વળગી શક્યું.

જત-પ૨મા૨

માંડવના ડુંગર ઉપર હિન્દુ-મુસલમાનનાં લોહીની બે ધારાઓ વચ્ચે એક સંધ્યાકાળે ત્રિવેણી સંગમ થયો હતો તે યાદ આવે છે ? એને ચારસો વર્ષ વીત્યાં. સિંધના લંપટ રાજ સુમરાની મદભરી આંખ એક જત મુસ્લિમની ખૂબસૂરત કન્યા ઉપર ઠરી. દોઢ હજાર જતો એ દીકરીનું શિયળ રક્ષવા નાઠા, ભલભલાએ જાકારો દીધો.