પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

દિલાવર સંસ્કાર [પ્રવેશક્]

આખી ભાવનાને ધર્મભાવથી પોતાની કરી લીધી. એટલે જ તેની કિંમત છે. કાંધલજી મેર જૂનાગઢના રાજાને તિરસ્કાર દઈને ચાલી નીકળ્યા. વાંસે જૂનાગઢની વાર ચડી. વણથળીના નાઘોરી મુસલમાનોએ વિનાપિછાન્યે એ પાદરથી નીકળેલા પરોણાને 'અતિથિદેવો ભવ' કહી આશરો દીધો. આ આશરા-ધર્મ ખાતર તે દિવસ નવસો મીંઢળબંધો મુસ્લિમો સમરાંગણે પોઢ્યા, અને કંકુની પૂતળી જેવી નવસો નાઘેરણોએ ચૂડલા ભાંગ્યા. એ ઘટના એટલેથી બનીને અટકી ગઈ હોત તો સોરઠી લોકોની ધાર્મિક દિલાવરી સાબિત કરવામાં એનો ઊપયોગ ન કરત. તો તો એ ઘટનાની ભવ્યતા એકાકી બનીને ઊભી રહેત. પણ એ ઘટના તો યુગના કોઈ સંદેશરૂપે પ્રજાના પ્રાણમાં ટપકી પડી. વણથળીના નાઘોરીઓ અને કાંધલજી મેરના વંશવારસો આજ પણ પરસ્પર 'લોહીભાઈ 'કહાવવામાં પોતાનું ગૌરવ સમજે છે.'રસધાર'માં પડેલી આ પ્રેમશૌર્યની ઘટનાઓને અકસ્માત ગણીને નવલકથાના નાટકીય રસની વ્યર્થ શોધમાં ન પડજે. પણ માતૃભૂમિનાં દટાયેલાં ખંડેરોની છિન્નભિન્ન ઈંટો ઉપર મમતાભર્યા નેત્રે બારીક નિરીક્ષણ ચલાવીને એના ભૂતકાળની કલ્પના કરજે. આંહીં સાચું શૌર્ય હતું, કારણ કે સાચાં બલિદાનો, સાચાં લગ્નો, સાચાં ઔદાર્ય હતાં.

સોરઠના તખ્ત પર ઇસ્લામ આવ્યો ખરો, પણ આવી ને એણે હિન્દુવટને પોતાની બહેન કરી લીધી. હિન્દુ-મુસલમાન એકદિલીનાં એવાં ઊંડા મૂળ સોરઠની ધરતીમાં બાઝી ગયાં હતાં.

સોરઠનાં પીર-પીરાણાંની આખી સંસ્થા જ એ રામ-રહેમાનના હસ્તમેળાપનો અમર સિક્કા જેવી સજીવન પડી છે. સોરઠના જીવણદાસ જેવા ભક્તોએ એ અભેદભાવની મીઠી મીઠી અનેક કલામો દાસીભાવે ગાઈ છે.

ભગવાં રે વસ્તર મારે અંગડે વિરાજે
મારે ફરવું અતીતુંના વેશમાં.
દાસી ને તેડી રે જાજો તમારા દેશમાં !
લીલુડો અંચળો મારે અંગડે બિરાજે
મારે ફરવું ફકીરૂંના વેશમાં
દાસીને તેડી રે જાજો તમારા દેશમાં !