પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩

દુશ્મન

થાય છે તે અવાજ બીજા રાજાઓનાં વાજિંત્રોનાં – શરણાઈ અને ઢોલના – નાદને પણ સંભળાવા દ્યે નહિ તેટલો પ્રચંડ બને છે.

ધીમે ધીમે વીરો વાળો પોતાના માણસો જમાવવા મંડ્યો. ખાંટની જમીન દબાવવાનો આદર કર્યો. એક દિવસ વીરો વાળો ઘેરે નથી, જુવાન કાઠીએાને લઈને ક્યાંક ચડી ગયેલો. વાંસેથી એની લીલીછમ વાડીમાં ખાંટોએ બે બળદ ચરવા મૂક્યા. બળદને પકડીને વીરા વાળાનો કાઠી દરબારી વાસમાં દોરી આવ્યો. એાઘડ વાળાનાં વહુ જે ઓરડે રહેતાં હતાં તેની ફળીમાં જ બળદ બાંધી દીધા. પાકટ ઉંમરના કાઠીએા આઈની ચોકી કરતાકરતા ફળીની બહાર આઘેરા બેઠા હતા. કોઈનું ધ્યાન નહોતું.

ત્યાં ભાયા મેરની નવી વહુનો ભાઈ ભેટમાં તલવાર, એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો; પરબારે આઈને એારડે પહોંચ્યો. પરમેશ્વરે જાણે કે ઘેર રમવા સારુ પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કાઠિયાણી ઉંબરામાં બેઠી બેઠી પોતાના હાથપગ ધોતી હતી. પણ ભાયાનો મદોન્મત્ત સાળો અચકાયો નહિ, સડેડાટ ચાલ્યો આવ્યો અને બળદ છોડ્યા. બાઈએ ગર્જના કરી મૂકી : “ આંહી કોઈ કાઠીના પેટનો છે કે નહિ ? ન હો તો લાવો બરછી મારા હાથમાં, આમ તમને ખાંટ ગરાસ ખાવા દેશે ?”

બુઢાપામાં જેનાં ડોકાં ડગમગી રહ્યાં હતાં, તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝબકી ઊઠ્યા, અને એક જણાએ દોડીને ભાયાના સાળા ઉપર બરછીનો ઘા કર્યો. પાડા જેવા એ પહેલવાનના પ્રાણ નીકળી ગયા. ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટની પાટીમાં ગોકીરો થયેા અને ખાંટ ચડી આવ્યા. એ ધીંગાણામાં એંસી ખાંટ જુવાનો મર્યા, અને ચાળીસ બુઢ્ઢા કાઠીઓ કામ આવ્યા.