પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧

રાઠોડ ધાધલ

એભલ વાળાને સાઠ ઘોડે આવતા દીઠા. એભલ વાળાના અસવારોમાંથી સામત ધાધલ નામનો એક જોરાવર કાઠી મોખરે આવ્યો અને ભમ્મર ચડાવીને એણે કડકાઈનાં વેણ કાઢ્યાં : “એ રાઠોડા, રોઠી સોપારી જેવડો છે અને મલક બધાને બિવરાવછ, પણ હવે માટી થાજે.”

જરાય અથર્યા થયા સિવાય આપો રાઠોડ બોલ્યા: “ભણેં સામત, ભાયડા કંઈ ઠાલાં આટલાં બધાં વેણ કાઢે ? તું બેાલ્ય મા. લે, ઘા કરું લે. પે'લો ઘા તારો; હાલ્ય, ચોંપ રાખ્ય.”

સામતે બરછીનો ઘા કર્યો. પતંગિયા જેવા આપો; રાઠોડ ઘોડી ઉપરથી ઝબ દઈને નીચે ઊતરી ગયા. બરછી નિશાન ચૂકીને જમીન ઉપર જઈ પડી. રાઠોડ પોતાની બરછીનો ટેકો લઈને પાછા ઘેાડી ઉપર ચડવા માંડ્યા. પીઠો કહોર નામનો એક કાઠી આપા રાઠોડની આડો રક્ષણ કરવા ઊભો રહ્યો. એણે સામતની ટીલડીમાં નેાંધીને બરછી વછોડી. ડૂફ દઈને સામત જઈ પડ્યો. ત્યાં બીજલ કોળીએ બંદૂકનો ભડાકો કરીને બીજા એક અસવારને ઢાળી દીધો ફડાફડી બોલી ગઈ એભલ વાળાના અસવારો હટ્યા. વાંસે એભલ વાળો ચાલ્યા આવતા હતા એમણે પૂછ્યું :

“કોણ રાઠોડ ધાધલ છે ?”

“બાપુ ! રાઠોડ છે.”

“એલા, ભાગો એ કાળને નહિ પુગાય.”

એભલ વાળો ભાગ્યા; રાઠોડ ધાધલે એમને મતીરાળાના ઝાંપા સુધી તગડ્યા. પણ ત્યાં તો આ રમખાણની અંદર ખોડાભાઈ ગઢવી ઘોડેથી પડ્યો. ઘોડો ભાગ્યો અને એભલ વાળાની ફોજની પાછળ દોડ્યો. આપા રાઠોડે ચીસ પાડી : “ એ બા ! ભણેં ભૂંડી થઈ ! આ નીલાનો ઘોડો