પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૩૮

હે ભોજારૂપી ખેડુ, તલવારને કોદાળીરૂપે વાપરીને તેં ભારાજીના વંશરૂપ સાઠીઓને મૂળમાંથી જ ખોદી કાઢી. હવે તો એનાં મૂળિયાં પણ હાથ લાગવાં મુશ્કેલ થઈ પડ્યાં છે, એવું વીર્યશાળી કામ તેં કર્યું છે.

"ઓ હો હો, બા ! ગઢવે તો લાખ રૂપિયાનો દુહો કહ્યો. હા ! શી એની કરામત !” – એવી તારીફ થઈ એટલે બાંયો ચડાવી ચારણે આગળ ચલાવ્યું –

માથાં મોઢુકા તણાં, ઝાડે બાંધ્યાં જે,
વાઘેલાનાં વાઢ્યે, ભડ તેં ટાળ્યા ભોજલા !

હે વીર ભોજા ખાચર, વાઘેલાને તેં માર્યો એટલું જ નહિ, પણ એનાં માથાં તો તેં મેાઢુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યાં.

એમ એક, બે ને ત્રણ દુહા કહેવાતાં તો ભોજ ખાચરના પાસાંબંધી કેડિયાની કસો તૂટવા મંડી. એને મોજના તોરા છૂટવા લાગ્યા. ભેાજા ખાચરને લાગ્યું કે જગતમાં મારો જોટો નથી !

પણ ચારણ તો જેમ જેમ દુહા કહેતો જાય છે તેમ તેમ એની પાંપણો ભીંજાતી જાય છે : એના કાળજામાં ઘા પડે છે, એમ ફાટતે હૈયે એણે ભેાજા ખાચરની તારીફના વીસ દુહા પૂરા કર્યા. આપા ભેાજે હાકલ કરી: “ગઢવા, મોજમાં આવે તે માગી લ્યો.”

“બીજું કાંઈ નહિ, બાપા ! ભારાજીનું માથું જ માગું છું.”

“ભારાજીનું માથું ! તમે એને શું કરશો ?”

“બાપ ભોજા ! મારી માતાને સત ચડ્યું છે. એના ખોળામાં સ્વામીનું માથું પહોંચાડવું છે.”

"ત્યારે તમે ભારાજીના ચારણ છો ?”