પૃષ્ઠ:Rasdhar 3 B.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫

હનુભાઈ

પોતાના સામાવાળાને પોતાના કૂંડાળામાં રોકી રાખે છે, તેમ તેં પણ આ પીઠાની સાથે રમત માંડીને એને તારા સીમાડારૂપી કુંડાળામાં પૂરો કર્યો.

એક દિવસ ડેલીએ બેઠા હનુભાઈ દાતણ કરે છે. ત્યાં તો ચીસો પાડતો એક કણબી રાવ કરવા આવ્યો; આવીને બોલ્યો : “બાપુ ! મારા બાજરાનું આખું ખેતર ભેળી નાખ્યું. મારા છોકરાને રાબ પાવા એક ડૂડુંય ન રહ્યું.”

“કોણે ભેળવ્યું, ભાઈ ?” કુંવરે પૂછ્યું. “કુંવર”_એ હનુભાઈનું હુલામણું નામ હતું.

“ભાવનગર મહારાજ વજેશંગજીના કટકે.”

“એ શી રીતે ?"

“મહારાજ જાત્રાએથી વળીને ભાવનગર જતા હતા. મારગકાંઠે જ ખેતર હતું. દોથા દોથા જેવડાં ડૂંડાં હીંચકતાં હતાં. દેખીને આખું લશ્કર ખેતરમાં પડ્યું. પોંક પાડવા ડૂડાં વાઢ્યાં ને બાકી રહ્યું તેની, ઘોડાને જોગાણ દેવા, કોળી કોળી ભરી લીધી. હવે મારાં પારેવડાં શું ખાશે, બાપુ ?” એમ કહીને કણબી રોઈ પડ્યો.

કુંવર હસી પડ્યો, જવાબ દીધો : “પણ એમાં રુએ છે શીદને, ભાઈ? એ તો વજેસંગજી બાપુ આપણો બાજરો કઢારે લઈ ગયા કહેવાય ! આપણે એમનો ચારગણો બાજરો વસૂલ કરશું, લે બોલ્ય. તારો બાજરો તું કેટલો ટેવતો હતો ?”

“બાપુ, પચીસેક કળશી.”

“બરાબર ! હવે તેમાંથી સાડાબાર કળશી તો અમારા રાજભાગનો જાત ને ?”

“હા, બાપુ !"