પૃષ્ઠ:Rasdhar 3 C.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨: ૩

૧૭૦


મારછ. તંઈ આજ એકાદ મોવડીને મારીને ગામનું ધણીપણું તો સાચું કરી દેખાડ્ય !”

વાઘરીને ચાનક ચડી. હાથમાં બંદૂક લઈને ગાડાના ગૂડિયા વચ્ચે ગોઠવાઈને એ બેસી ગયો. મિયાણા આવી પહોંચ્યા. મોખરે એનો સરદાર લખો પાડેર ચાલ્યો આવતો હતો. લખા પાડેરના હાથમાં જે જામગરી ઝગતી હતી તેના અજવાળામાં એની રાક્ષસી કાયા બરોબર ચોખ્ખી દેખાતી હતી. એને દેખતાં જ કૂબાને એાટે ઊભાં ઊભાં વાઘરણે વાઘરીને ચીસ પાડી:

“ એય પીટ્યા ! જોઈશું રિયો છો ? દે, દે, ઈ મોવડીના કપાળની ટીલડીમાં નેાંધીને કર ભડાકો ! ને કાંચલા કરી નાખ્યા એની ખોપરીના. દે ઝટ, ચાર જુગ તારું નામ રેશે.”

પણ વાઘરીના હાથ કંપવા માંડ્યા. બંદૂક ફોડવાની એની છાતી ન ચાલી. માથે વીજળી પડી હોય એવો એ ત્યાં ને ત્યાં સજ્જડ થઈ ગયેા. તે વખતે એક સુતાર હાથમાં હાથલો લઈને ઊભો હતો. કાનિયાએ તરઘાયા ઢોલ પર ડાંડી નાખી, ત્યાં સુતારનું સત જાગી ગયું. એના મનમાં અજવાળું થઈ ગયું કે, 'હાય હાય ! હુંય સુદામડાનો સરખો ધણી ! અને આવો લાગ જાય !”

એણે દોટ દીધી. વાઘરીના હાથમાંથી ઝૂંટવીને એણે બંદૂક ખભે ચડાવી લખા પાડેરના કપાળ સામે નેાંધી, દાગી, અને હુડુડુડુ દેતી ગોળી છૂટતાં વાર જ લખાની ખાપરીમાં 'ફડાક!' અવાજ થયો. હરદ્વારના મેળામાં કોઈ જોરદાર હાથની થપાટ વાગતાં દૂબળા સાધુડાના હાથમાંથી સવાશેર ખીચડી સોતું રામપાતર ઊડી પડે તેમ લખાની ખાપરી ઊડી પડી. જીવતરમાં પહેલી જ વાર હાથમાં બંદૂક ઝાલનારા એ સુતારે રંગ રાખી દીધો.

અને પછી તો 'દ્યો ! દ્યો !' એમ દેકારો બેાલ્યો.