પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૪
રાષ્ટ્રિકા
 


દેવીતણે ચરણ બાલક એ પડ્યો ત્યાં,
આશિષ શીર્ષ લઇ કાંઇ લીધી પ્રતિજ્ઞા;
બેઠો પછી ઝરણને તટ એ જઇને,
પ્યારો ઘણો હૃદય દેવીતણે થઇને. ૧૪

જાણે નહીં રજનિ કે દિન બાળ એ તો,
જાણે નહીં કનકપુષ્પપ્રવાહ વ્હેતો;
તે મોરલી નિજ અલૌકિક એકતાને
વાતો ભરે જગત મોહ અપૂર્વ ગાને ! ૧૫

ડોલાવી દીધી સ્વરમાં નિજ વાટિકા તે,
સૌ બાળ પંખી ઝીલી લે સ્વર ભાતભાતે;
દેવી તણી રસિક સુંદર ગાઇ લીલા,
ઊંડા વને વિરલ રાગ ભર્યા રસીલા. ૧૬

દેવી સુણે અમર અદ્‍ભૂત વેણુ એની,
બેસી વિલીન લહરીધૂનમાંય તેની :
ધીમે ધીમે ઝરણવારિ વધ્યાં જ જાય,
ના દેવી કે રસિક બાળ જુએ જરાય ! ૧૭



(સોરઠા)

સહસા ધસતો ત્યાંય ખળકો આવ્યો જળતણો,
લઇને નિજ ઉરમાંય, ગયો લપેટી બાળને ! ૧૮