પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૦૯
 




બ્રીટનને


• રાગ માઢ[૧]


મારા લાખેણા વીર મરાય,
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ?

નહીં દમદાટી, નહીં તુજ લાઠી,
નહીં તુજ બંદુક તોપ;
આજ કશાં અહીં કામ ન આવે,
વ્યર્થ જળે તુજ કોપ !
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૧

લાખોને મોલના વીર આ પડતા
ધગધગતે અંગાર :
લાખોને મોલની સ્વાધીનતાને
આણશે ભારતદ્વાર !
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૨

દેહ ને દેહનાં યુદ્ધ નથી આ,
એ તો છે આત્મનાં યુદ્ધ ;
દેહ કચડતાં તો આત્મ કસાયને
થાય અધિક વીર શુદ્ધ :
બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૩

  1. તા. ૬-૧૦-૩૦.