પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગુજરાતનાં ગીતો
૧૩
 


ગુણગરવી ગુજરાત


• ઉલ્લાસિકા છંદ.*[૧]


કેમ તને હું ભૂલું ?
તારું સ્મરણ સદા અણમૂલું :
તારી ગુણગરવી વાતો કરતાં હું પળપળ અંતર ફૂલું .
દુનિયા શોરબકોર મચાવે, ભરતી ઓટ વહે દિનરાત,
ધરણી ભેખ તિમિરનો ધારે, સ્વપને પલકે તો ય પ્રભાત ;
તારી આંખો તારા જેવી જ્યાં ત્યાં નિરખી રહું રળિયાત :
હો મુજ ગુણગરવી ગુજ્રાત !


ધીર, બહાદૂર, ડાહી :
તુજને જીવનભર મેં ચાહી ;
તારાં ગીત બધે ગાઈ ગવડાવી રંગ ભર્યો જગમાંહીં .
જંગલ જંગલ ફોડી ઘૂમતા તારા પુત્રો મંગલવેશ,
સાગર સાગર પર રહે ઊછળી તારાં સાહસ શૌર્ય હમેશ ;
ખંડે ખંડ પ્રચંડ ખડકશા તુજ યશબોલ વદે સંદેશ :
હો મુજ ગુણગરવી ગુજ્રાત !


  1. *આ છંદ નવો રચ્યો છે. ૧ લી પંક્તિ બાર માત્રાની, ૨ જી સોળ માત્રાની, ૩ જી બત્રીશ માત્રાની, ૪-૫-૬ ઠી એકત્રીશ માત્રાની તથા ૭ મી પંદર માત્રાની છે. ૧-૩-૫-૭ એમ એકી માત્રાએ તાલ છે. પણ ૨-૩-૪-૫-૬-૭ લીટીમાં પહેલી ચાર માત્રા પછી મહાતાલ આવે છે તે દર ૮-૮ માત્રાએ એટલે ૫-૧૩-૨૧-૨૯ માત્રાએ છે. એથી એનો લય સવૈયા એકત્રીશા-બત્રીશાથી જુદો પડે છે.