પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કથાનક ગીતો
૫૭
 


રે કેવી આ ઉર જગવતી ભૈરવી રાજભક્તિ !
આહા કેવી પ્રબળ સ્ફુરતી એ મહા પ્રાણશક્તિ !
કેવો ઊંડો, અડગ, વિરલો, ભવ્ય આ દેશપ્રેમ !
એ આત્મા, એ ગહન પ્રતિમા, લેશ ભૂલાય કેમ ? ૧૯

છે મેવાડે રુધિર વિરલું ભૂમિમાં વીરકેરું,
પાષાણોમાં, કુહર કુહરે, ઊછળે તે અનેરું :
રાજસ્નેહે રુધિર નિજ દૈ, હા પુરોહિત સૂએ !
ઊંડા તેના હૃદયપડ્યા ત્યાં ઘૂમે છે હજૂયે ! ૨૦


શોકાશ્ચર્યે ઊભા બન્ને વીર શુક્ત પ્રતાપ ત્યાં :
ઢળતા ભાનુના રશ્મિ ભૂલાવે ઉરતાપ ત્યાં. ૨૧
થતાં પ્રતાપની સંજ્ઞા, શુક્ત તે ભૂમિ ત્યાગતોઃ
પ્રતાપ પ્રાણનિદ્રાથી પ્રતિજ્ઞામય જાગતો. ૨૨


(દ્રુતવિલંબિત)

ગહન શાંતિ વને પ્રસરી રહે,
ગગન રક્ત પ્રભા ક્ષિતિજે ગ્રહે :
ક્વચિત કોઇક અશ્વ ખુંખારતો,
વન અગાધ પ્રતિધ્વનિ ધારતો. ૨૩