પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
સંયુક્તા



નહોતી; પણ બીજા સામંતોને પોતાના બળમાં અતિશય વિશ્વાસ હતો, એટલે એમની સલાહ માની પૃથ્વીરાજે થોડા સમય માટે યુદ્ધ મુલતવી રાખવા આજ્ઞા આપી. સમરસિંહે પોતાના માણસોને ચેતતા રહેવાની સૂચના આપી હતી, કેમકે એમને મુસલમાનો ઉપર વિશ્વાસ નહોતો. રજપૂતોએ શત્રુ ઉપર આક્રમણ ન કર્યુ. શત્રુઓને ચેતવણી આપ્યા વગર ચઢાઈ કરવી એને રજપૂત હીન કૃત્ય ગણતા હતા. અસ્તુ ! બન્ને પક્ષ થોડા દિવસ તો પડાવ નાખીને શાંત બેઠા. આ યુદ્ધમાં બન્ને પક્ષ તરફથી બહુ મોટી સેના એકઠી થઈ હતી. રાસોમાં તો બહુ અતિશયોક્તિ ભરેલું વર્ણન છે; પરંતુ વિન્સેટ સ્મિથ કહે છે કે, “મુસલમાનોની સેના બાર હજાર હતી, હિંદુઓની સંખ્યા એથી ઘણી વધારે હોવી જોઈએ.” પણ એલિફન્સ્ટન સાહેબ લખે છે કે, "એ સૈનિકો સુસ્ત અને નિરાશ હતા. પદ્ધતિસર લશ્કરી તાલીમ તેમને મળી નહોતી.”

રજપૂતો શાહબુદ્દીનના પત્ર ઉપર વિશ્વાસ મૂકીને નિશ્ચિંત બેઠા હતા, એવામાં શાહબુદ્દીને એક રાતે એવી યુક્તિ કરી કે, પોતાના સૈનિકોને તંબૂની આગળ સળગતી આગ રાખવાની આજ્ઞા આપી, જેથી હિંદુઓ એમ સમજે કે શત્રુઓ ત્યાં જ છે. થયું પણ એમજ. હિંદુઓ એ આગ જોઈને શત્રુઓ પોતાના તંબૂમાંજ બેઠા છે એમ માની આનંદ કરવા લાગ્યા. શાહબુદ્દીને એ લાગ જોઈને પોતાની સેનાને તૈયાર થવાને આજ્ઞા આપી અને વહાણું વાતાં પહેલાં જ–પૃથ્વીરાજની સેના નિત્યકર્મથી પરવારે તે અગાઉજ તેના ઉપર અણધાર્યો દગાભર્યો હુમલો કર્યો.×[૧] રજપૂતો સમજ્યા કે શત્રુઓએ પ્રપંચ કરીને પોતાને છેતર્યા છે. તરતજ તેઓ સજ્જ થઈને યુદ્ધ કરવા તૈયાર થયા. બંન્ને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ જામ્યું. પૃથ્વીરાજ અને સમરસિંહ ઘોડેસવાર થઈને જાતે યુદ્ધમાં ઊતર્યા હતા અને ફરીને પોતાની સેનાને ઉત્તેજિત કરતા હતા. તબક્કાત–ઈ–નાસિરીમાં લખ્યું છે કે કાશ્મીરની હિંદુસેના પણ યવનોના પક્ષમાં આ યુદ્ધમાં પૃથ્વીરાજ સાથે લડી હતી અને જમ્મૂના નરસિંહદેવને હાથે પૃથ્વીરાજનો મોટો સામંત ગોવિંદરાય માર્યો ગયો હતો. રજપૂતોની સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગી. એક સ્થળે પૃથ્વીરાજ પણ


  1. ×જુઓ, ‘ફરિશ્તા અને તબક્કાત–ઈ–નાસિરી.’