પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



યવનસેનાથી ચારે તરફથી ઘેરાઈ ગયાં. તેણે અનેકનો સંહાર કર્યો, પણ હવે એનાથી બહાર નીકળાય એમ નહોતું. જેતરાય નામના એક વિશ્વાસુ સામંતે સમયસૂચકતા વાપરી પૃથ્વીરાજના માથાનું છત્ર પોતાના ઉપર ધર્યું. જેતરાય માર્યો ગયો, થોડીવારમાં ચામુંડરાય પણ પરલોક સિધાવ્યો. રજપૂતોએ ઘણું પરાક્રમ દાખવ્યું, પ્રાણની મમતા છોડીને યુદ્ધ કરવા માંડ્યું, પણ ભારતની સ્વતંત્રતાનો સૂર્ય આજે અસ્ત થવાનો હતો; એટલે લડતાં લડતાં વીર સમરસિંહ પણ પરલોક સિધાવ્યા અને સાંજ પડતાં પડતાં તો ચૌહાણવંશનો કુળદીપક, સંયુક્તાનો કંઠહાર, રાજા પૃથ્વીરાજ પણ દેવલોકની યાત્રા કરી ગયો. ઈ. સ. ૧૧૯૨ માં ભારતવર્ષનાં દુર્ભાગ્યે આ મહાપરાક્રમી વીર ૪૩ વર્ષની વયે સ્વર્ગમાં સિધાવ્યો. ભારતની સ્વતંત્રતા એ દિવસથી ગઇ તે ગઈ ! ત્યારથી ભારતવાસીના ભાગ્યમાં પરાધીન થઈ ટપલા ખાવાનું અને જિતાયલી હીણ પ્રજા તરીકે પરદેશીઓને હાથે અપમાનજ સાંખવાનું રહ્યું છે.

પૃથ્વીરાજની અંતિમ દશાના સંબંધમાં ઈતિહાસવેત્તાઓમાં ઘણો મતભેદ છે. ચંદ કવિના રાસામાં પૃથ્વીરાજને કેદ પકડીને શાહબુદ્દીન ગિઝની લઈ ગયો અને ત્યાં પૃથ્વીરાજે એક વાર રાજદરબારમાં શબ્દવેધી બાણનો પ્રયોગ કરી બતાવતાં, ચંદની સૂચના પ્રમાણે નિશાન તાકીને શાહબુદ્દીનનું તાળવું ફાડી નાખ્યું અને પછી ચંદ અને પૃથ્વીરાજ બન્ને પોતાના છરા પેટમાં ખોસી દઈને, આત્મહત્યા કરીને મરી ગયા. ઘેરે ઘેર એજ કથા પ્રચલિત છે; પરંતુ ઈતિહાસની દષ્ટિએ ‘રાસોનું’ સ્થાન બહુ ઉચ્ચ નથી. પૃથ્વીરાજ જેવો વીર સહેલાઈથી શત્રુના હાથમાં જીવતો સપડાય એ સંભવિત નહોતું. અનેક અંગ્રેજ તથા મુસલમાન ઈતિહાસવેત્તાઓનો અભિપ્રાય એવોજ છે કે, પૃથ્વીરાજ રણક્ષેત્રમાં જ શત્રુઓને હાથે મરણ પામ્યો હતો. અસ્તુ.*[૧]

પૃથ્વીરાજના મૃત્યુના સમાચાર દિલ્હી પહોંચાડવામાં આવ્યા. સમાચાર મળતાં વારજ સંયુક્તાએ ચિતા તૈયાર


  1. * વિન્સેન્ટ સ્મિથે સ્પષ્ટ લખ્યું છે કે, “પૃથ્વીરાજના ગિઝનીમાં કેદ રહેવાની અને એને હાથે શાહબુદ્દીનને માર્યા જવાની વાત, તદ્દન જૂઠી છે; કેમકે ઈ. સ. ૧૨૦૫-૦૬ માં મુલાક જાતિના એક માણસને હાથે એ પંજાબના જેલમ જિલ્લામાં એક ગામમાં માર્યો ગયો હતો.