પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१३३–शशिवृता

દેવગિરિના રાજા ભાનુરાય યાદવની કન્યા હતી. એ અનુપમ સૌંદર્યવતી રમણી હતી. ભાનુરાયની ઇચ્છા એનું લગ્ન જયચંદના ભત્રીજા વીરચંદ કમધજ્જની સાથે કરવાની હતી; એટલા માટે એણે પોતાના ગોરની સાથે જયચંદની પાસે નાળિયેર પણ મોકલી દીધું હતું. એ લઈને ગોર કનોજ ગયો; પરંતુ શશિવૃત્તા પૃથ્વીરાજની પ્રશંસા સાંભળીને એના ઉપર મુગ્ધ થઈ ગઈ હતી. એણે સંકલ્પ કર્યો હતો કે, “વરીશ તો પૃથ્વીરાજને જ વરીશ.” પૃથ્વીરાજને પણ એ સમાચાર પહોંચી ગયા હતા.

લગ્નનો સમય પાસે આવ્યો ત્યારે કનોજથી વીરચંદ પોતાની સેના તથા સામંતોને લઈને પરણવા સારૂ દેવગિરિ તરફ રવાના થયો. એ વૃત્તાંત મળતાં પૃથ્વીરાજ પણ અનેક સૈનિકોને લઈને એ તરફ રવાના થયો.

શશિવૃત્તાનાં માતાપિતાએ જ્યારે કન્યાનો મનોભાવ જાણ્યો ત્યારે તેમણે પુત્રીને સમજાવવામાં મણા ન રાખી; પરંતુ શશિવૃત્તા જીવ જાય તોપણ વીરચંદને પરણવા તૈયાર નહોતી. તેની એ દશા જોઈને રાજાએ મંત્રીની સલાહ લીધી. મંત્રીએ કહ્યું કે, “આપ વીરચંદને ચાંલ્લો મોકલી ચૂક્યા છો, માટે હવે એની સાથેજ રાજકુમારીનું લગ્ન કરવું જોઈએ.” પરંતુ પોતાની કન્યા ઉપરની મમતાને લીધે રાજાએ એમ ન કરતાં, પોતાને હાથે પત્ર લખીને પૃથ્વીરાજને મોકલ્યો. એમાં લખ્યું હતું કે, “શશિવૃત્તા શિવાલયમાં બેઠી હશે. આ૫ આવીને ત્યાંથી એને લઈ જશો.”

એ સમાચાર મળતાંવારજ પૃથ્વીરાજ પોતાની સેનાનો પ્રબંધ એક વિશ્વાસુ સામંતને સોંપી, જાતે બે સામંત લઈને દેવગિરિ તરફ ગયો. શશિવૃત્તા પણ આતુરતાથી પૃથ્વીરાજની વાટ જોઈ રહી હતી. પૃથ્વીરાજના આવ્યાના સમાચાર એને મળી ચૂક્યા હતા.

૨૯૮