પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩
સતી નાગમતી



હતો. નાગમતી વાયદા પ્રમાણે દોડતી પાવડિયારાના શિવમંદિરમાં ગઈ. ત્યાં જુએ છે તો બે ઘોડા બહાર બાંધેલા છે અને મહાદેવનું મંદિર અંદરથી બંધ છે. પ્રેમવિહ્‌વળા રાજકન્યાએ ઘણીએ બૂમો પાડી, પણ કાંઈ ઉત્તર ન મળ્યો. એણે કહ્યું :——

“વાળા ! જોતાં વાટ, નખતર પતિ નમી ગિયો;
(પણ) કરમેં આ કચવાટ, (મેં) નર નિરખ્યો નહિ નાગડો.”

ધક્કા મારીને બારણાં હચમચાવ્યાં, પણ કાંઈજ ઉત્તર ન મળ્યો. હવે તેના સ્નેહાળ હૃદયમાં શંકા થવા લાગી કે, નાગવાળાએ આત્મહત્યા તો નહિ કરી હોય ! એણે ફરીથી કહ્યું :—

“દરશનિયાં દે નાગ ! (હું) મોહન ! વગાડું મોરલી;
પણ કરમે કાળા ડાઘ ! મેં નર નિરખ્યો નહિ નાગડો !
દિન ઉગે દેવળ ચડાં, જેઉં વાલારી વાટ;
(પણ) આતમમાં ઉચાટ, (મન) નેણાવાળો નાગડો.!”

એને શંકા થઈ કે, નાગવાળો આ સરોવરમાં પાણી પીવા ગયો હોય અને એમાં સરી પડ્યો હોય તો ! તેથી તે બોલી:—

“નાગ નિસરણી નાખ, (અમે) કિયે આરે જઈ ઉતરિયે ?
પાવડિયારાની પાળ, (અમે) નરજ ગુમાવ્યો નાગડો.”

સરોવરની ચારે તરફ ફરતાં નાગવાળાનાં પદચિહ્‌ન કહીં પણ દેખાયાં નહિ, એટલે એ શિખરના પથ્થર કાઢીને મુશ્કેલીથી દહેરામાં ઊતરી, તો નાગવાળાને પેટમાં કટાર ખોસીને મરણ પામેલો જોયો. આખું મંદિર લોહીલોહાણ થયેલું હતું. હાય ! નાગવાળાએ પોતાની પ્રતિજ્ઞા પાળવામાં બહુજ જલદી કરી હતી. પ્રિયાને આવવામાં અણધાર્યાં વિઘ્નો નડ્યાં અને તેને લીધે સહેજ વિલંબ થયો, પણ વાળાના અનુભવશૂન્ય હૃદયમાં એથી ઘણી શંકાઓ ઉત્પન્ન થઈ. એને લાગ્યું કે, નાગમતીએ મારા વિશ્વાસનો ભંગ કર્યો છે. એમ ધારીને તેણે પોતાના જીવનનો અંત આણ્યો હતો.

નાગમતીના શોકનો પાર રહ્યો નહિ. સંગની પ્રથમ રાત્રીએ—અરે સંયોગ પહેલાં જ વિયોગ–ચિરવિયોગનું અસહ્ય દુઃખ ભોગવવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. એણે હૃદય ચીરી નાખે એવો વિલાપ કરવા માંડ્યો :—

“ નાગડા ! નાગરવેલ, (તે) થડમાંથી થાહિયેં નહિ;
પણ કટકો કુપળ મેલ, અમે આશાભર્યા આવિયાં.