પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



વિશેષ પ્રેમ હોવાથી એક રાજકુમારીને છાજે એવું ઉત્તમ પ્રકારનું શિક્ષણ એને મળ્યું હતું. ફારસી વ્યાકરણ પ્રમાણે રઝિયા સુલતાના કહેવાવી જોઈતી હતી; પરંતુ એ પોતાને સુલતાન (નર–જાતિના) શબ્દથી સંબોધાવું પસંદ કરતી હતી. પોતાના નામના સિક્કામાં એણે લખાવ્યું: “સુલ્તાને-આજમદીન અને દુનિયાની શોભા.” ફરિશ્તા પોતાના ઈતિહાસમાં લખે છે: “રઝિયામાં સારા રાજાઓના બધા ગુણોનો સમાવેશ હતો. તેનામાં કોઈ દોષ હોય તો તે એટલો જ હતો કે તે સ્ત્રી હતી. પણ એમાં એનો શો દોષ ? એને સ્ત્રી બનાવી એ દોષ તો વિધાતાનો હતો. ગુણવાન મનુષ્યોમાં પૂજવા યોગ્ય તો તેમના ગુણ છે; તેમનું સ્ત્રીપણું, કે પુરુષપણું નહિ. રઝિયા દિલ્હીની ગાદીને શોભાવવાને કેવી રીતે યોગ્ય હતી અને અલ્તમશે પોતાનાં અનેક સંતાનોમાંથી એનેજ એ કામને યોગ્ય શા સારૂ ગણી હતી તે સંબંધે કાંઇક કહીશું.

રઝિયાને વિદ્યાનો ઘણો પ્રેમ હતો. એ કુરાન સારી રીતે વાંચી તથા સમજી શકતી. એ ઉપરાંત સાહિત્યનો પણ એણે સારો અભ્યાસ કર્યો હતો. ફારસી ભાષામાં કવિતા પણ લખતી, દિલ્હીમાં કુતુબમિનાર નામનો જે આશ્ચર્યજનક અને સુંદર મિનારો છે, તે વાસ્તવમાં રઝિયાના પિતા અલ્તમાશના સમયમાં બંધાયો હતો. સંભવ છે કે બાદશાહ કુતુબુદ્દીનના સમયમાં તેનો આરંભ થયો હોય અથવા તો મૂળ યોજના એની હોવાથી કુતુબમિનાર નામથી પ્રસિદ્ધ થયેલ હોય. એ મિનારની પૂર્ણાહુતિ નિમિત્તે થયેલા સમારંભમાં વિદુષી રાજકન્યા હાજર હતી અને એમ કહેવાય છે કે એ પ્રસિદ્ધ સ્તંભ ઉપર કોતરેલા વાક્યની રચના રઝિયાએ પોતેજ કરી હતી.

ઈ. સ. ૧૨૨૬ માં દક્ષિણનાં સ્વતંત્ર રાજ્યોને હસ્તગત કરવાના ઉદ્દેશથી અલ્તમશ બાદશાહ દિલ્હીથી પોતાનું સૈન્ય લઈને નીકળ્યો. આ સવારીમાં તેને સંપૂર્ણ વિજય મળ્યો, પરંતુ એમાં એને છ વર્ષ વીતી ગયાં. પિતાની ગેરહાજરીમાં રાજકારભાર કોને સોંપવો એ એક મહત્ત્વનો પ્રશ્ન થઈ પડ્યો હતો. તે વખતે અલ્તમશના વયે પહોંચેલા વીસ પુત્રો વિદ્યમાન હતા. બાદશાહે દિલ્હી જઈને પોતાના તખ્ત પર રઝિયાને સ્થાપિત કરી અને સાભિમાન કહ્યું: “મારા વીસ પુત્રો આજે હયાત છે તો પણ રાજ્યનો બોજો તે સર્વને ભારે લાગશે; પરંતુ આ મારી કોમળ રઝિયાને તેનો