પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો

 પરપુરુષ જાણીને પ્રથમ તો કાંઈ વાતચીત ન કરી, પણ જ્યારે એ સાધુની સુશીલતા સંબંધે તેને ખાતરી થઈ ત્યારે તેણે તેને પોતાનો ખરો પરિચચ આપ્યો. જતિએ રાજા જયશિખરીના મૃત્યુના સમાચાર રાણીને આપ્યા. એ સમાચારથી રાણીને અત્યંત ખેદ થયો, પણ જતિ શીલગુણસૂરિના આશ્વાસનથી તેને કાંઈ ધૈર્ય આવ્યું. યતિએ તેને કહ્યું: “બહેન ! તમે રાજાનાં રાણી છો. તમારે આમ જંગલમાં રહેવું ન ઘટે, તમે મારી સાથે ચાલો. હું તમને મારાં સગાંબહેન તરીકે ગણીને રાખીશ.” રાણી રૂપસુંદરીને તેના વચન પર વિશ્વાસ બેઠો અને તે જૈન યતિના આશ્રયે જઈને વસી. યતિજીએ પોતાના વચનનું અક્ષરશઃ પાલન કર્યું. તેણે રાણી રૂપસુંદરીનો સગીબહેનની પેઠે સત્કાર કર્યો તથા રાજકુમારને પણ યોગ્ય વિદ્યા આપી. થોડા સમય પછી શૂરપાળ પણ ત્યાં આવી પહોંચ્યો અને બહેન તથા ભાણેજને સુખી જોઈને ઘણો પ્રસન્ન થયો.

રૂપસુંદરીએ વનરાજને ઉત્તમ શિક્ષણ આપ્યું અને વીરત્વનો મહિમા તથા રાજધર્મસંબંધી ઉત્તમ બોધ આપી યથાસમયે પિતાનું વેર લેવાને તેને પ્રેર્યો. વનરાજ ઘણોજ પરાક્રમી યુવક નીવડવ્યો. તેણે પિતાના શત્રુનો પરાજય કરીને વિક્રમ સંવત ૮૦૨, ઈ૦ સ૦ ૭૪૬ માં ગુજરાતની રાજગાદી મેળવી.

રૂપસુંદરીએ પુત્રને રાજ્ય મળ્યા પછી, પોતાને આશ્રય આપનાર તથા મદદ કરનારની યોગ્ય કદર કરી વનરાજ જેવા વીરપુત્રને જન્મ આપ્યાથી રૂપસુંદરી ‘રત્નગર્ભા’ ઉપનામને પાત્ર થઇ છે.

વનરાજની માતાના નામ સંબંધી તથા તેને આશ્રય આપનાર સાધુના નામ સંબંધી ઈતિહાસવેત્તાઓમાં મતભેદ છે. મોઢેરા બ્રાહ્મણોના પુસ્તકમાં વનરાજની માતાનું નામ છત્તા (અક્ષતા) જણાવ્યું છે અને તેને કોઈ બ્રાહ્મણે આશ્રય આપ્યો હતો એમ કહે છે. પોતાની યુક્તિના ટેકામાં બ્રાહ્મણો એવી દલીલ રજૂ કરે છે કે જૈન સાધુઓનો ધર્મ એવો છે કે તેમનાથી વનમાં રાણીને આશ્રય આપી શકાય નહિ; પરંતુ એ વિવાદગ્રસ્ત બાબતે સાથે આપણા ઉદ્દેશને કાંઈ સંબંધ નથી. વનરાજની માતાના સદ્‌ગુણો સંબંધે સર્વેનો એકમત છે અને એ સદ્‌ગુણોજ સ્ત્રીઓને અનુકરણ કરવા યોગ્ય છે.