પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૫
સાધુપત્ની કર્મદેવી



પરંતુ યુદ્ધના ભયથી પોતાના પર પ્રેમ રાખનાર વીરાંગનાની વિનંતિ પાછી ઠેલે એવો કાયર સાધુ નહોતો. સાધુએ ઘણી ખુશી સાથે માગું સ્વીકાર્યું. યથાસમયે પિતાની રજા લઈને સાધુએ કર્મદેવી સાથે લગ્ન કર્યું.

વિવાહને બીજે દિવસે સાધુ નવવધૂ સાથે પુગલ જવા નીકળ્યો. બધાને ભય એ હતો કે રસ્તામાં મારવાડ રાજ્ય તરફથી તેમના ઉપર આક્રમણ થશે. આથી મોહિલરાજ મણિકરાવે પણ તેમની સાથે ચારપાંચ હજાર સૈનિકો મોકલવાનું કહ્યું હતું, પણ આત્મશક્તિ ઉપર આધાર રાખનાર સાધુએ સસરાની એ મદદ સ્વીકારી નહોતી. છતાં પણ માણિકરાવે ઘણો આગ્રહ કરીને પોતાના પુત્ર મેઘરાજને સાતસો સૈનિકો સાથે તેમને વળાવવા મોકલ્યો હતો.

રસ્તામાં એક સ્થળે સાધુ વિશ્રામ કરવા બેઠો. એટલામાં મારવાડકુમાર અરણ્યકદેવ ચારપાંચ હજાર સૈનિકોને લઈને સાધુની સામે ઊભો રહ્યો.

કુમાર અરણ્યકદેવ સાચો વીર હતો. તેનામાં રાજપૂતોની મહત્તા અને વીરતાનો પુરો અંશ હતો. આ યુદ્ધ કાંઈ રાજ્ય મેળવવા ખાતર કે રાજ્ય સાચવી રાખવા ખાતર નહોતું, પરંતુ ટેકની ખાત૨ હતું. અરણ્યકદેવ સાથે જેની સગાઈ થઈ ચૂકી હતી, એવી કન્યાને સાધુ પરણી ગયો તેથી અરણ્યકદેવનું ઘણું અપમાન થયું હતું અને એ અપમાનનો બદલો વાળવાની તેની ફરજ હતી. કર્મદેવીની ખાતર તેને સાધુ સાથે વિવાદ ઉપસ્થિત થયો હતો, પણ એ વિવાદમાં તેની સાથે આબરૂભેર યુદ્ધ કરીને બદલો લેવાની અરણ્યકદેવની ઈચ્છા હતી. ગમે તે પ્રકારે સાધુનો વધ કરવાનો તેનો ઉદ્દેશ નહોતો.

એટલા માટે જ્યારે તેણે જોયું કે પોતાના વિપુલ સૈન્યના પ્રમાણમાં સાધુના સાથીઓની સંખ્યા ઘણીજ થોડી છે; ત્યારે પોતાના સૈનિકોને હુમલો કરવાની મના કરી દીધી.

એની ઉદારતાથી પ્રસન્ન થઈને સાધુએ પ્રશંસાપૂર્વક તેની સામું જોયું.

થોડી વાર પછી બંનેએ યુદ્ધ કરવાનું નક્કી કર્યું, પરંતુ ધીમે ધીમે એમના પક્ષના સૈનિકો પણ એમના યુદ્ધમાં સામેલ થવાને તૈયાર થવા લાગ્યા. આ અન્યાય જોઈને બંને વીરપુરુષો