પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



કર્યો. બિલાડી હરખભેર દોડતી આવી અને બચ્ચાંને મોંમાં ઘાલીને ચાલી ગઈ.

ધાર્મિક દંપતીને એ દિવસથી કુંભારના ધંધા ઉપર તિરસ્કાર છૂટ્યો; કેમકે એમાં જીવહિંસા થવાનો સંભવ હતો. હવે એમણે કઠિયારાનો ધંધો શરૂ કર્યો. બન્ને જણાં જંગલમાંથી લાકડાં લાવી, ભારો માથે ઉંચકીને શહેરમાં લાવે અને વેચે. એ પ્રમાણે એમનો વ્યવસાય ચાલવા લાગ્યો. એમાં પણ બન્ને સુકાઈ ગયેલાં લાકડાં લઇ આવતાં અને જે કાંઈ મળે તેથી નિર્વાહ ચલાવતાં. નિર્ધન સ્થિતિ હોવા છતાં બન્ને શુદ્ધ દાનતનાં હતાં. એક દિવસ બન્ને જણાં ભારો લઈને આવતાં હતાં, એવામાં માર્ગમાં એક સોનાની ઇંટ પડેલી જોઈ. રાંકો ભારો લઈને આગળ જતો હતો, એણે સુવર્ણની ઈંટ જોઈ, પણ તેથી એનું મન લલચાયું નહિ, એના મનમાં વિચાર આવ્યો કે, મારી સ્ત્રી પાછળ આવે છે, રખે એનું મન લલચાય અને એ આ વગર પરિશ્રમનું ધન ઉપાડી પાપમાં પડે. એમ વિચારી એણે એ ઇંટ ઉપર પગવડે ધૂળ નાખીને આગળ ચાલવા માંડ્યું. ઘેર આવ્યા પછી પત્નીએ પતિને પૂછ્યું: “તમે પગ વડે ધૂળ કેમ ખસેડતા હતા ?” રાંકાએ ખરૂં કારણ જણાવી દીધું કે, “મેં તે ઈંટ લીધી નહિ, પણ તમે સ્ત્રીની જાત છો અને રખે લલચાઈને ઉપાડી લો એ શંકાથી મેં ધૂળ ઢાંકી દીધી.” બાંકા ખરેખરી જ્ઞાની હતી. તેણે કહ્યું: “વાહ રે! તમે આટલી બધી ભક્તિ કરી તો પણ તમને ખરૂં આત્મજ્ઞાન થયું નહિ ! તમે એને સુવર્ણરૂપ ગણી એજ ભૂલ ! એને લીધેજ તમારે એના ઉપર ધૂળ પાથરવાની જરૂર પડી. ખરું જોતાં ધૂળ અને રસનું બન્ને બરાબર છે, એ દૃષ્ટિએ તમે જોયું તહોત, તો તમે કદાપિ એના ઉપર ધૂળ પાથરતજ નહિ; કેમકે ધૂળ ઉપર ધૂળ પાથરવાની મૂર્ખતા કોઈ કરતું જ નથી.” પત્નીનું ખરું તત્વજ્ઞાન જોઈને રાંકો પ્રસન્ન થયો અને ઘણો ધન્યવાદ આપીને કહેવા લાગ્યો કે, “મારી ભક્તિ તારા કરતાં રંક અને ઊતરતા પ્રકારની છે, માટે મારું નામ રાંકા છે તે ઠીક છે. તારી ભક્તિ તો ખરેખર બાંકી છે અને તેથી તારું નામ પણ યથાર્થ છે.” ધન્ય છે કુંભારપત્ની બાંકાને !

 !