પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



એ પરમ સુંદરીના ચિત્તમાં ચિંતાની મોટી જ્વાળા સળગતી હતી. પિતા દેશવટો ભોગવે છે, પોતાનું રાજ્ય પરધર્મી પઠાણોના હાથમાં છે, એ વિચાર બહાદુર રજપૂતાણીને અસહ્ય થઈ પડ્યો હતો. પિતાને કોઈ પુત્ર નહોતો. પોતેજ તેનું એકમાત્ર સંતાન હતી. અબળા હોવા છતાં પણ સંતાન તરીકેનું કર્તવ્ય પૂર્ણ કરવાની જવાબદારી તેને માથે હતી. તારાબાઈએ મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે, “બીજું કોઈ મને મદદ નહિ કરે, તો હું જાતે યુદ્ધ કરીને પિતાના રાજ્યનો ઉદ્ધાર કરીશ.”

પહેલાંના સમયમાં રજપૂત કન્યાઓ કેવળ જનાનામાં બેસી રહેતી નહોતી; ઘણી વખત તેઓ યુદ્ધમાં ઉતરી પડતી અને તેટલા સારૂ તેમના પિતાએ બચપણથીજ તેમને કસરત કરાવતા તથા ઘોડેસવાર થવાનું અને હથિયાર ચલાવવાનું શિક્ષણ આપતા, તારાબાઈએ એ બધી વિદ્યાઓનો અભ્યાસ ઘણી કાળજીપૂર્વક કર્યો હતો અને અશ્વારોહણ તથા અસ્ત્રચાલનમાં એ ઘણી પ્રવીણ થઈ ગઈ હતી; પરંતુ હજાર તોયે તે એક અબળા હતી; રાવ રત્ન નિરાધાર હતો. કોઇ યોગ્ય રજપૂત વીરની મદદ વગર ટોડાનો ઉદ્ધાર થવાનો સંભવ નહોતો, બીજી તરફ તારાબાઈના રૂપ, ગુણ અને શૌર્યની વાત રાજસ્થાનમાં એટલી બધી પ્રસરી ગઈ હતી કે, તેની સાથે વિવાહ કરવાને અનેક રજપૂત યુવકો ઉત્સુક હતા. રાવ રત્નસિંહે ખબર ફેલાવી કે, “જે વીરપુરુષ ટોડા રાજ્યનો ઉદ્ધાર કરશે, તેને મારી એકની એક કન્યા તારાબાઈ વરશે.”

એક દિવસ તારાબાઈ અસ્ત્રશસ્ત્રથી સુસજ્જિત થઈને ઘોડા ઉપર બેસીને કંઈ જઈ રહી હતી, એવામાં રાણા રાયમલના કનિષ્ઠ પુત્ર જયમલની તેના ઉપર દૃષ્ટિ પડી. તેના સૌંદર્યથી જયમલ મુગ્ધ થઈ ગયો; પરંતુ રાવ રત્નસિંહનું પણ એ સારી પેઠે જાણતો હતો. એ પણનું રક્ષણ કર્યા વગર રૂપવતી વીરાંગના તારાબાઈને વરવાનો બીજો કોઈ ઉપાય નહતો. રાવ રત્નસિંહને પોતાની ઇચ્છા જણાવીને જયમલ સૈન્ય સાથે ટોડાનો ઉદ્ધાર કરવા ગયો; પણ એનું કાંઈ વળ્યું નહિ. પઠાણોને હાથે હારીને એ પાછો આવ્યો. હવે નિર્લજ્જ જયમલે બળાત્કારે વીરાંગના તારાબાઈનું હરણ કરવાનો યત્ન કર્યો, એ રાણાનો પુત્ર હતો; રાવ રત્નસિંહ રાણાજીનો આશ્રિત હતો; એટલે એક આશ્રિતની કન્યાનું હરણ કરવાનું સાહસ એ કરી બેસે, તો કાંઈ