પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
૨૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


આસન પર બેસાડ્યા તથા થાળીમાં રસોઈ પીરસીને ભોજન કરવાની વિનતિ કરી, પરંતુ સાધુને કાંઈ ભોજન થોડું જ કરવું હતું. તેને તો જોવું હતું કે નર્મદામાં કેટલું પાણી છે. તેણે કહ્યું: “મીઠી વસ્તુ વગર અતિથિનો પૂરો સત્કાર નથી થતો.” સાધુનાં આ વચન સાંભળીને નર્મદાને ઘણો ખેદ થયો; કારણકે એ વખતે સાધુને ખવરાવવા જેવો કંઈ પણ મીઠો પદાર્થ ઘરમાં નહતો, તેમજ ઘરમાં પૈસા પણ નહોતા. તેણે પતિના ભાગના ચોખા બજારમાં વેચવા મોકલ્યા હતા એ પૈસામાંથી પડોશણ પાસે ખાંડ મંગાવીને સાધુને પીરસી, સાધુવેશધારી ભોજરાજા નર્મદાની સાધુભક્તિ અને સત્યનિષ્ઠા જોઈન ઘણો પ્રસન્ન થઈ ગયો. મનમાં ને મનમાં એ નર્મદાની ઘણી પ્રશંસા કરવા લાગ્યો. એણે પોતાનાં રાજચિહ્નો છુપાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ ચતુર નર્મદા તેના મોં ઉપરના તેજથી કળી ગઈ કે આ ભોજરાજા છે. તેથી તેણે કહ્યું: “નૃપતિ ભોજરાજ ! આપ ઘણા પુણ્યવાન અને બુદ્ધિના ભંડારરૂપ છો. આપ પરસ્ત્રીને માતારૂપ ગણો છો, માટે મારી પરીક્ષા લેવા આપે આ ઉપાય ગ્રહણ કર્યો, એ વ્યાજબી નથી કર્યું'.”

સતીનાં આવાં મૃદુ વચનો સાંભળીને સાધુવેશધારી ભોજરાજ ગદ્‌ગદ્ થઈ ગયો અને નર્મદાની પ્રદક્ષિણા કરીને નમ્રતાપૂર્વક હાથ જોડીને બોલ્યો “માતા ! મને ક્ષમા કરો. મેં તમારો માટે અપરાધ કર્યો છે. હવે દયા લાવીને મને ક્ષમા કરો અને મને આપનો સેવક સમજો.”

નર્મદાએ શાંત ભાવે ઉત્તર આપ્યો “આપ ભય ન પામશો. હું જાણું છું કે આપ કપટ કરીને મારું શિયળ ભંગ કરવાની ઈચ્છાથી અત્રે નહોતા આવ્યા. તમારો ઉદ્દેશ મારા પતિવ્રત્યની પરીક્ષા લેવાનો હતો. એટલા સારૂજ હું તમને આજે માફી આપું છું; પણ ફરીથી કોઈ દિવસ એ પ્રમાણે સતીને છળવાનો યત્ન ન કરશો. તમારે ખાતરી રાખવી કે તમે કોઈ પણ ઉપાયથી મારૂં શિયળ ભંગ કરવામાં સમર્થ ન થાત; કારણકે પતિવ્રતા સ્ત્રીનું સત્ તોડાવવાની શક્તિ સંસારમાં કોઈનામાં પણ નથી. હું કોઈ પરપુરુષ સાથે વાતચીત નથી કરતી, પણ આપને સાધુ સમજીને આટલો વાર્તાલાપ કર્યો છે; તેથી મારા પાતિવ્રત્યમાં કોઈ પણ ન્યૂનતા આવી શકે એમ નથી. પતિવ્રતા સ્ત્રીઓના ચાર પ્રકાર છે–ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને અધમ, જે સ્ત્રીનો એવો નિશ્ચય