પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


 છે, જેથી ઘણો જ રમણીય અવાજ ઉત્પન્ન થાય છે. તેઓ વચમાં મનોહર ‘હુંં કાર’ કરી રહી છે. એમનું ઉરસ્થળ ઘણુંજ કંપી રહ્યું છે. તાલસ્વરથી યુક્ત એ ડાંગર છડનારીઓનાં ગીત કેવાં મનોહર લાગે છે!

વિરહિણીનું વર્ણન એ નીચેના શબ્દોમાં કરે છે. એ પોતાની પ્રિય સખીને કહે છેઃ “હે સખિ ! પ્રેમનું બંધન ઢીલું પડી ગયું, હૃદયનું બહુમાન પણ ગળી ગયું, સારો ભાવ પણ હૃદયમાંથી ખસી ગયો અને સાધારણ માણસની પેઠે પ્રાણપ્યારા પણ ચાલ્યા; ચાલ્યા ગયા એટલું જ નહિ પણ આટલા દિવસ પણ વહી ગયા, તો હવે વહાલી બહેન ! કયા સુખની આશામાં આ હૃદયના ટુકડેટુકડા નથી થઈ જતા ! એજ હું વિચારી રહી છું, અર્થાત્ એવી દશામાં મરણજ શ્રેષ્ઠ છે.

વિપત્તિમાં પડેલી એક નાયિકા પોતાની સખીને નીચેના શબ્દોમાં કહે છેઃ “પ્રિય સખિ ! ચતુર કુંભારની પેઠે બ્રહ્મા ચિંંતા-રૂપી ચાક ઉપર માટીના ગોળાની પેઠે મારા મનને પરાણે મૂકીને વિપત્તિના દંડાની અણીથી મને જોરથી ફેરવી રહ્યા છે. જેવી રીતે કુંભાર માટીના લોંદાને ચાક ઉપર ખૂબ ફેરવે છે અને પછી જે ઘાટ બનાવવો હોય તેવો બનાવે છે, તેવી જ રીતે બ્રહ્મા પણ ચિંંતાના ચાક ઉપર મારા મનને ફેરવી રહ્યા છે. કોણ જાણે હવે શું બનાવશે? ” વિપત્તિમાં ચિંંતાગ્રસ્ત અબળાનું કેવું સુંદર ચિત્ર છે!

તળાવની દુર્દશા દેખીને એનું હૃદય દ્રવે છે અને એ સુકુમારી લખે છે: “મદોન્મત્ત દિગ્ગજ, હાથીઓના મદથી લિપ્ત ગંડસ્થળો ધોવાયાથી ક્ષુબ્ધ થયેલા જેના નિર્મળ તરંગો વગર રોકાયે આકાશની સીમામાં વિચરણ કરતા હતા, એજ તળાવનું જળ વખત બદલાતાં આજે એક બગલાના ચાલ્યાથી પણ બગડી જાય છે. ઘણા દુઃખની વાત છે. ભાગ્યના પરિવર્તનથી તળાવની આ દશા થઈ છે.”

આવા અનેક ઉચ્ચ ભાવ અને કલ્પનાવાળા શ્લોકો વિજ્જકાના રચેલા છે. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે ‘વિજ્જકા’ અને કર્ણાકી ‘વિજયા’, જેણે વૈદર્ભી પદ્ધતિ પ્રમાણે શ્લોક ૨ચ્ચા છે અને જેને કાલિદાસ સાથે સરખાવીને રાજશેખર કવિએ ખૂબ વખાણી છે, તે બન્ને એક જ વ્યક્તિ છે. ફૂલકેશી બીજાના મોડા