પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


હલકા કામને યોગ્ય નથી. તું તો રાજ્યના મહેલમાં ચાલ, ત્યાં તારે માટે બધી સારી સોઈ અને સગવડ કરી આપવામાં આવશે.”

જસમાએ કહ્યું કે, “તમારા રાજાજીને કહેજો કે, હું તો મજૂરણ છું. માટીના ટોપલા ઊંચકવા એ તો અમારો વંશપરંપરાનો ધંધો છે. એ કામ કરવામાં મને જરા પણ હીણપત નથી. રાજાના મહેલમાં જવું મને પસંદ નથી. તેમને કહેજો કે મને માફ કરે. મને મારી હાલતમાં પૂરો સંતોષ છે.”

આ ઉત્તરથી રાજાને સંતોષ ન થયો. એ વધારે વ્યાકુળ બનીને જાતે જસમા ઓડણની પાસે ગયો અને કહેવા લાગ્યો “તું કોમળ સ્ત્રી છે, તારૂં શરીર આટલો બધો પરિશ્રમ વેઠવા યોગ્ય નથી, જો, તારા કોમળ હાથોની ગૌરતા ચાલી ગઈ છે. મહેનતને લીધે તારૂં ચંદ્રવદન લાલચોળ થઈ ગયું છે. તારા આખા અંગમાં પરસેવો છૂટી રહ્યો છે, તારી આવી દશા જોઈને મને ઘણી દયા આવે છે. તું મારા મહેલમાં ચાલ, હું તારે માટે જુદા મકાનનો તથા સ્વાદિષ્ટ ભોજન વગેરેનો બંદોબસ્ત કરી દઈશ.”

જસમાએ ઉત્તર આપ્યો: “મહારાજ! હું આપના મહેલમાં રહેવા કરતાં અહીં જંગલમાં રહીને મારા ધણીની સેવા કરવી વધારે પસંદ કરું છું. મને એમના દર્શનથી જેટલું સુખ મળે છે તેટલું સુખ સ્વર્ગમાં પણ મળવાની મને આશા નથી.”

રાજાએ ફરીથી કહ્યું: “ જસમા ! મારૂં કહ્યું માન! તને ઘણું સુખ મળશે. હું તને મારી રાણી બનાવીશ. તું આખા રાજ્યની અધીશ્વરી બની જઈશ. આખા શહેરમાં તારી આણ વર્તાશે. હજારો દાસીઓ તારી સેવામાં રાતદિવસ હાજર રહેશે. તું ગાદી તકિયા ઉપર બેસીને અમનચેનમાં જીવન ગાળીશ. હમણાં તો તારે ટાઢતડકા અને વરસાદમાં ફરતાં ફરવું પડે છે, સૂકા રોટલા ખાવા પડે છે અને ભોંય ઉપર સૂઈ રહેવું પડે છે; પણ મારું કહ્યું માનીશ તો તને સ્વાદિષ્ટ ભોજન ખાવાને મળશે અને મશરૂ તથા મખમલની તળાઈઓમાં સૂવાનું મળશે.”

રાજાએ તેને ઘણા પ્રકારની લાલચો બતાવી તથા મીઠી મીઠી વાતોથી તેને ફસાવવાનો ઘણોજ પ્રયત્ન કર્યો પણ જસમાના પવિત્ર હૃદય ઉપર તેના શબ્દોની જરા પણ અસર થઈ નહિ. સાક્ષાત્ મહાકાળીના જેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને એ બોલીઃ