પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


પુત્રીનું દાન કર. એના દ્વારા દિવ્ય ગુણવાળી પ્રજા ઉત્પન્ન થશે અને એ તારા કુળનો ઉદ્ધાર કરશે.” આ સ્વપ્નને સિદ્ધોપંતે વિધાતાની સંમતિરૂપ માની લીધું અને બીજે દિવસે ન્યાતજાતના ચાર પ્રતિષ્ઠિત માણસોને બોલાવીને એમની સમક્ષ વિઠ્ઠલપંતને પોતાની કન્યા રુકિમણી આપવાની વાત કાઢી. વિઠ્ઠલપંત તો હસવા લાગ્યા: “હું તો યાત્રાએ નીકળ્યો છું કે ઘોડે ચઢવા ? હજી તો મારે રામેશ્વરની યાત્રા કરવી છે. વળી હજુ મારે માથે વડીલ બેઠાં છે, એમની આજ્ઞા વગર મારાથી લગ્ન કેવી રીતે કરાય ?” સિદ્ધોપંત શાંત થઈ ગયા. ઝાઝો આગ્રહ કરવો એ સમયે એમને યોગ્ય લાગ્યું નહિ. એજ રાતે વિઠ્ઠલપંતને સ્વપ્ન આવ્યું ને ભગવાને દર્શન દઈને એમને આજ્ઞા આપી કે, “તું આ કન્યાનું પાણિગ્રહણ કર. એ સ્ત્રી તારે માટેજ નિર્માણ થઈ છે.” એ સ્વપ્નને પણ ઇશ્વરનો સંકેત ગણીને એણે પોતાની સંમતિ જણાવી. લગ્નનું મુહૂર્ત જ્યેષ્ઠ વદમાં ઠરાવવામાં આવ્યું અને તૈયારીઓ ઝડપથી થવા લાગી. સમય ટૂંકો હોવાથી વિઠ્ઠલપંતનાં માતાપિતા આલંદીમાં પુત્રના લગ્ન પ્રસંગે આવી શક્યાં નહિ.

શુભ મુહૂર્તમાં ઘણી ધામધૂમ સહિત લગ્ન થઈ ગયાં. સિદ્ધોપંતે પુષ્કળ વસ્ત્રાલંકાર કન્યાને આપ્યાં તથા જમાઈને પણ પોતાના દરજ્જાને છાજે એવી પહેરામણી આપી.

લગ્ન સમાપ્ત થયા પછી વિઠ્ઠલપંતે પંઢરપુરમાં વિઠોબાનાં દર્શને જવાની ઈચ્છા જણાવી. સિદ્ધોપંત પણ સહકુટુંબ તેમની સાથે ગયાં અને પુત્રી તથા જમાઇને વિઠોબાને પગે લગાડ્યાં. ત્યાંથી તેઓ માર્ગમાં ભજન કીર્તન ગાતાં આલંદીમાં પાછાં આવ્યાં.

વિઠ્ઠલપંત ત્યાર પછી સાસુસસરાની આજ્ઞા લઈ દક્ષિણનાં તીર્થોની યાત્રા કરવા ગયા અને રામેશ્વર, શિવકાંચી, વિષ્ણુકાંચી વગેરે પવિત્ર સ્થળોએ જઇ પાછા આલંદી આવ્યા. હવે ઘેર જઈ માતાપિતાનાં દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠા એમને થઈ રહી હતી. સિદ્ધોપંતને પણ વેવાઈને મળવાની ઈચ્છા હતી, એટલે એ પણ કન્યાને લઈને આપેગામ જવા નીકળ્યા. ઘણે લાંબે વખતે પુત્રને યાત્રા કરીને ક્ષેમકુશળ ઘેર પાછો આવેલ જોઈને માતાપિતા ઘણો હર્ષ પામ્યાં. વળી તેમણે જોયું કે પુત્ર કુળવાન ઘરની સુશીલ કન્યાને પણ પરણી લાવ્યો છે, ત્યારે એમના આનંદનો પાર રહ્યો નહિ. સિદ્ધોપંત પુત્રીને વસ્ત્રાલંકાર આપી થોડા દિવસ