પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
સંયુક્તા


સુપરિચિત એક ભાટ હતો. ભાટે એકેએકે રાજાઓને પરિચય કરાવ્યો; પણ સંયુક્તાના હૃદય ઉપર કોઈએ અસર કરી નહિ. એક પછી એક નૃપની અવગણના કરીને એ આગળ વધવા લાગી. થોડી વારમાં સંયુક્તા મંડપના દ્વાર આગળ ગઈ અને સખીના હાથમાંથી પૂજનસામગ્રી લઇ, પૃથ્વીરાજની દ્વારપાળ તરીકે ઊભી કરેલી મૂર્તિનું પૂજન કરી તેનાજ ગળામાં વરમાળા પહેરાવી.

પૃથ્વીરાજને સંયુક્તાના અનન્ય પ્રેમની ખબર પહેલેથીજ પહોંચી ગઈ હતી. તેથી એ પોતાના વિશ્વાસુ સામંત સહિત ગુપ્તવેશે મંડપના દ્વાર આગળ ઊભો હતો. વરમાળા પહેરાવતાં વારજ તેના સામંતોએ ‘પૃથ્વીરાજનો જય’ ઉચ્ચાર્યો અને એ વીર નૃપતિ સંયુક્તાને ઘોડા ઉપર બેસાડીને બધાના દેખતાં ત્યાંથી વીરતાપૂર્વક ચાલ્યો ગયો.

જયચંદને આ કપટની ખબર પડતાંજ તેણે પોતાના સૈન્યને ચૌહાણો ઉપર આક્રમણ કરવાની આજ્ઞા આપી. બન્ને પક્ષ વચ્ચે યુદ્ધ ચાલ્યું, પણ રાઠોડ સૈન્યનું કાંઈ વળ્યું નહિ. બધાની આંખમાં ધૂળ નાખીને પૃથ્વીરાજ સંયુક્તાને વીરતાપૂર્વક સહીસલામત દિલ્હી લઇ ગયો.

સંયુક્તાહરણની ઘટના બાબતે મતભેદ છે. કેટલાકનું કહેવું છે કે પૃથ્વીરાજની પ્રતિમાના ગળામાં સંયુક્તાએ વરમાળ પહેરાવી એજ સમયે પૃથ્વીરાજ તેને ઊંચકીને લઇ ગયો. ચંદ કવિનો મત જુદો જ છે. એના મત પ્રમાણે સંયુક્તાએ સ્વયંવર મંડપના દ્વારપાલ તરીકે ઊભી કરેલી પૃથ્વીરાજની મૂર્તિના કંઠમાં વરમાળા પહેરાવી એ સમયે પૃથ્વીરાજ ત્યાં હાજર ન હતો. જયચંદ પુત્રીના એ કૃત્યથી ઘણો ક્રોધે ભરાયો અને તેણે ગંગા નદીના કિનારે એક મહેલમાં સંયુક્તાને કેદ કરી દીધી.

એ ખબર એક બ્રાહ્મણ દ્વારા પૃથ્વીરાજને પણ મળી. એ કૃત્યથી જયચંદે પોતાનું મોટું અપમાન કર્યું છે એમ એને લાગ્યું. એ અપમાન બાણની પેઠે એના હૃદયને વીંધવા લાગ્યું અને કોઈ પણ પ્રકારે જયચંદનો બદલો લેવો એ વિચાર એને સૂઝ્યો. ચંદ કવિએ જયચંદના પરાક્રમ, તેનું વિપુલ સૈન્ય વગેરેનું વર્ણન કરીને એવું સાહસ ન વહોરવાની ઘણી સલાહ આપી. પણ વૈરાગ્નિથી અંધ થયેલા પૃથ્વીરાજને ગળે એ સલાહ ઊતરી