પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



નહિ અને આખરે ચંદ બરદાઈ તથા બીજા સેવકોને લઇને પૃથ્વીરાજે છુપા વેશમાં કનોજ તરફ પ્રયાણ કર્યું. એમની સાથે ઘણા સામંતો અને સૈનિકો પણ હતા.

કનોજ પહોંચીને પૃથ્વીરાજે અને ચંદ કવિએ ગુપ્તવેશમાં આખું નગર જોયું. પછી જયચંદની સેના પણ જોઈ. એ વીરસેના જોઈને પૃથ્વીરાજનું હૃદય પણ કંપવા લાગ્યું, પણ હવે શું વળે ? કાર્ય સાધવું કે, દેહ ત્યાગ કરવો એ બેજ માર્ગ ખુલ્લા હતા.

કનોજની બહાર એ લોકોએ તંબૂ ઠોક્યા. પૃથ્વીરાજ કવિ ચંદના નોકરનો વેશ લઈને જયચંદનો દરબાર જોવા તૈયાર થયો.

કવિ ચંદ પૃથ્વીરાજને સાથે લઈને જયચંદના દરબારમાં પહેાંચ્યો. જયચંદે કવિરાજનો સારો સત્કાર કર્યો. કવિએ પોતાની જાતિની રીત પ્રમાણે એક સરસ કવિત ગાઈને જયચંદની પ્રશંસા કર્યા બાદ પોતાના સ્વામી પૃથ્વીરાજની પ્રશંસામાં પણ ગાયું કે,

“જહાં વંશ છત્તીસ, આવે હંકારે;
તદ્ધાં એક ચહુઆન, પૃથ્વીરાજ ટારે.”

કવિનાં એ વચનોએ જયચંદના હૃદયને વીંધી નાખ્યું. એને પુષ્કળ ક્રોધ ઊપજ્યો અને એ બોલી ઉઠ્યો: “પૃથ્વીરાજ મારી સામે આવે તો ખબર લઈ લઉં.”

પૃથ્વીરાજ તો ચંદના નોકરના વેશમાં ત્યાં જ ઊભો હતો. એનાં નેત્ર પણ ક્રોધથી લાલચોળ થઈ ગયાં, પણ આ વખતે ક્રોધને દબાવ્યા વગર ચાલે એમ નહોતું. એના ચહેરા ઉપરથી જયચંદને શક પણ ગચો, પણ પછી વિચાર આવ્યો કે, “પૃથ્વીરાજ જેવો પ્રતાપી અને અભિમાની પુરુષ નોકર બનીને મારા દરબારમાં શા સારૂ આવે ?”

ભાટચારણનો સત્કાર કરવાનું રાજાનું કર્તવ્ય ગણાતું હતું, એટલે જયચંદે સત્કારપૂર્વક ચંદને વિદાય કર્યો અને તેના નિવાસ તથા ભોજનાદિનો સારો પ્રબંધ કર્યો. સાથે સાથે પોતાના ગુપ્તચરોને ચંદની સાથે આવેલા વિચિત્ર નોકરની ખબર રાખવા આજ્ઞા આપી. રાજાના ગુપ્તચરોએ પત્તો લગાડ્યો કે ચંદની સાથે નોકર તરીકે આવનાર પુરુષ પૃથ્વીરાજ પોતેજ છે.

જયચંદને મૂળ વહેમ તો હતો તેમાં ગુપ્તચરની બાતમીથી