પૃષ્ઠ:Rutugeeto.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૫

એ મહાકવિએ બોલી સંભળાવવા માટે રચેલાં લોક-ડોલાવણ પદો માંહેલું એક પદ લઈને એની આ કલાની પરાકાષ્ટા તપાસીએ. આ છે વર્ષાગીતઃ નામ છે 'નવ વર્ષા'  :

[૧]*હૃદય આમાર નીચે રે આજિકે
મયૂરેર મત નાચે રે, હૃદય નાચે રે.

શત વરનેર ભાવ–ઉચ્છવાસ
કલાપેર મત કરે છે વિકાસ
આકુલ પરાન આકાશે ચાહિયા
ઉલ્લાસે કા’રે જાચે રે !
હૃદય આમાર નાચે રે આજિકે
મયૂરેર મત નાચે રે.

[મારું હૃદય આજે મોરલાની માફક નાચી રહ્યું છે. શતવરણા ઊર્મિભાવ રૂપી મયૂર-પિચ્છોની જાણે કળા કરીને, આકુલ પ્રાણથી આકાશ સામે નિહાળી મારો હૃદય–મોરલો કોને પોકારી રહ્યો છે !]

આ પ્રથમ કડીનો ભાવઃ કવિહૃદયે મોરલાનું રૂપ ધારણ કર્યું. મનોભાવોનો વિકાસ મોરની પિચ્છ-કળાનું રૂપક પામ્યો. ચારણી કાવ્યમાં આ કલ્પના નહિ મળે.

પછી મેઘગર્જનાનો નાદ ઉઠાવતી શબ્દરચના આવી :

ગુરુ ગુરુ મેઘ ગુમરિ ગુમરિ
ગરજે ગગને ગગને, ગરજે ગગને.


  1. *બંગાળી ભાષામાં ‘હૃદય’નો ઉચ્ચાર ‘હ્રિદય’ ‘વ’ ને ‘બ’ :
    ‘સ’ ને ‘શ’: એવી રીતે થાય છે. તેમજ ‘અકાર’ નો ‘ઓ’ કાર
    ઉચ્ચારાય છે – -જેમ કે ‘લયે છે’ ને ‘લોયે છે.’ આટલો ખયાલ રાખીને આ કાવ્ય
    વંચાશે તો એનો નાદ–વૈભવ બરાબર સમજાશે. -સં.