પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સાહિત્યને ઓવારેથી
 

નિસરણીથી, ઇતિહાસ–શિલાલેખોના ઝબક–દીવાથી કે પરપ્રાંતના વાઙ્‌મયની જાળીથી આજે બધા નરસૈયાને પકડવા મથે છે; છતાં અજબ જાદુગર જેવો એ નરસૈયો હજુ અદીઠ જેવો ઉભો છે. એકી સાથે બધાં જ સાધનથી બરાબર પેરવી થાય તો જ કદાચ તે સંપૂર્ણ નજરે પડે. ત્યાં સુધી એ દૃશ્ય અદૃશ્ય જણાશે, પાસે અને દૂર લાગશે. આ સામટી સામગ્રીના અભાવે તેના વિષે કૈં કૈં અપૂર્ણ, એકતરફી કે ઉતાવળાં અનુમાનો થતાં જાય છે; અને તેથી તો વિવિધ પ્રયતને પણ મનોવાંછિત ફળ નથી આપતા.

આજકાલ ખૂબ ચર્ચાએલા અને તેથી જટિલ બનેલા, નરસિંહ વિષે નીચેના અગીઆર પ્રશ્નો તારવી શકાય તેમ છે:—

(૧) નરસિંહ મહેતાનો જીવનકાળ કયો? જન્મ અને મરણનાં ચોક્કસ વર્ષ કયાં?
(૨) ત્યારે રાજકર્તા કોણ હતો ? મંડળિક હોય તો કયો? ત્રીજો કે પાંચમો ?
(૩) એ મંડળિક શૈવ હતો કે વૈષ્ણવ? ત્યારે જૂનાગઢમાં, સોમનાથ પાટણમાં, સોરઠમાં અને સમગ્ર કાઠિયાવાડમાં મુખ્યત્વે કયો પંથ પ્રબળ હતો? શૈવ ધર્મ કે વૈષ્ણવ ?
(૪) હારમાળાનો પ્રસંગ ઐતિહાસિક ખરો કે કેમ? સંવત ૧૭૦૦ પહેલાં તે પ્રસંગનો ક્યાંયે ઉલ્લેખ મળે છે?
(૫) હારમાળા કોણે રચી? નરસિંહે, પ્રેમાનંદે કે અન્ય કોઈએ ?
(૬) નરસિંહ મહેતા તળાજાથી જૂનાગઢમાં ક્યારે અને અને કયા સંયોગોમાં આવ્યા?