પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
સાહિત્યને ઓવારેથી
 


જગત સઘળું અક્કેકાની અસાર મુસાફરી.”(એક ચંડોળને)

અને શોભનાને ખાતર તેને કેટ–કેટલું લાગી આવે છે ? તે કહે છે:—

“હું તો બળીશ; બળતાં ઈનસાફ થાશે !
તું શું નહિ કુદરતે કદી ન્યાય પામે !
XXX
ટૂંકાં જ છે જીવિત ને દુઃખભાર મ્હોટા,
ને મૃત્યુની પછી કશો રસસ્વાદ ના ના !” (ત્યજાયલીને)
“ભેટો બને નવ બને પ્રભુ જાણનારો,
કિન્તુ મિલાપ નકી આખર એક સ્થાને !”

“બે ચાર જન્મદિવસો કાલ વહી જશે, અને મૃત્યુની જલદ પાંખ સમીપ થશે.” “પ્રીતિ અંતે મરણ અથવા ક્રૂરતા કે નિરાશા” જ કવિહૃદય અનુભવે છે. હૃદયમાંથી ઉલ્લાસ જતો રહેતાં “જીવનબાગ સૂકાય છે.” જગત્ છેક નિષ્ઠુર જણાય છે, અને પ્રભુ ને પ્રકતિ પાસે કવિ પોતાના હૃદય માટે ન્યાય માગે છે. કવિ કેવળ નિરાશ ને નિરાધાર બને છે. તેના છેલ્લા શ્વાસ વહે છે, જીવનની વસંત પાનખરમાં પલટાતી જાય છે; અને “મૃત્યુ તણા પડઘા શ્રવણે સૂણાય છે.” કવિજીવન આમ ગાઢ અંધકારમાં લપેટાતું જાય છે; તેને નથી કોઈ દિશા સૂઝતી કે નથી કોઈ પ્રકાશ—કિરણ મળતું. આવી વિષમ પળે પ્રકૃતિદર્શનમાં જ કવિને કાંઈ આશ્વાસન મળે છે. પ્રકૃતિના ભિન્ન ઉચ્ચતર અંશો કવિ માટે જગતની જડતા હઠાવે છે, અને પ્રકૃતિનો સમભાવ તેને આશ્વાસન દેતો ચૈતન્ય અર્પે છે. કલાપીનું કુદરત તરફનું વલણ જાણવામાં આ જ સમજ આપણને ખૂબ ઉપયોગી થાય છે.