પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
સાહિત્યને ઓવારેથી
 


પરિસ્થિતિમાં રાજકારણના રવિથી સાહિત્યરસ શોષાઈ જતો નહિ. ત્યારે મુત્સદ્દીગીરી અને વિદ્વતાને સહીપણાં હતાં; ઉચ્ચ રાજ્યાધિકાર અને વિદ્યાવ્યાસંગ વચ્ચે અવિરોધ પ્રવર્તતો. જીવન એકજ પ્રધાન પ્રવૃત્તિના વ્હેણથી સભર ભરાઈ જતું નહિ. જીવનને ઉદાત્ત અને ઉન્નત કરનાર સાહિત્યરસ કે તત્ત્વચિંતન ત્યારે સંસ્કારી ને સત્ત્વશાળી માનવીની ગમે તે પ્રવૃત્તિમાં સૂક્ષ્મ કે પ્રગટ રીતે અંતર્ગત થતું. દી. બ. મણિભાઈ જસભાઈ, મનસુખરામ સૂર્યરામ, હરિલાલ ધ્રુવ ને નરસિંહરાવ દીવેટીઆ તે યુગનાં ઉચિત દૃષ્ટાંતો છે. ઇ. સ. ૧૮૩૮માં જન્મેલા રણછોડભાઈ પણ આવા એક સંસ્કારી ને સમર્થ મહાજન હતા.

આટલા સામાન્ય અને આવશ્યક પ્રસ્તાવ પછી રણછોડભાઈની સાહિત્ય–પ્રવૃત્તિ વિષે વ્યક્તિગત વિચારણા હજુ બાકી રહે છે. તેમની સમગ્ર કૃતિઓની વિપુલતા અને ગુણવત્તા ધ્યાનમાં લેતાં જણાય છે કે તેમને શાસ્ત્રીય વિષયો કરતાં સાહિત્ય તરફ વધુ અભિરુચિ હતી. સંસ્કૃત નાટકોના પરિચયથી રણછેડભાઈની રસિકતા પાંગરવા લાગી, અને ઈંગ્રેજી નાટકોના–ખાસ કરીને તો શેક્ષપીઅરના–અધ્યયનથી તે અનેકગણો વિકાસ પામ્યો. આવી આકર્ષક કૃતિઓના અભ્યાસથી તેમની સહજ સર્ગશક્તિ સળવળવા લાગી અને અંતે શબ્દદેહે પ્રગટ થઈ. આમ સંસ્કૃત નાટકોનાં ભાષાંતર કે સ્વતંત્ર સર્જનો દ્વારા તેમની નાટ્યસાહિત્યની સેવા વ્યક્ત થવા લાગી.

યુગબળોએ તત્કાલીન લેખકોના હૃદયમાં કૈં કૈં અવનવી અભિલાષા જાગૃત કરી. ક્રાન્તિ કે સુધારો, પલટો કે પ્રગતિ આવા અવનવા સૂરો ત્યારે ગુજરાતભરમાં ગુંજતા, અને લોકમાનસને આવરી લેતા. તો પછી શક્તિશાળી રણછોડભાઈ આવી સાહિત્યસેવાના