પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રંગભૂમિ-ઉદ્ધારક રણછોડભાઈ
૨૧૧
 


કાર્યમાં શાને આળસુ બેસી રહે ? ગુજરાતી નાટકસાહિત્યનો વિકાસ, ગુર્જર રંગભૂમિનો સમુદ્ધાર, સમાજની મૂલગત સુધારણા : આવા કેટલાએ પ્રશ્નો તેમના યુવાન માનસમાં ઘોળાવા લાગ્યા. આમ ગુજરાતની પાંગરતી અસ્મિતા ત્યારે તેના ઉત્સાહી નવજુવાનોમાં પોતાનો આવિર્ભાવ શોધતી હતી; અને સાહિત્યસેવા પણ આવી અસ્મિતાનું જ સ્વાભાવિક પરિણામ હતું.

ઉપર જણાવ્યું છે તેમ સંસ્કૃત નાટ્યસાહિત્યના અભ્યાસથી રણછોડભાઈની રસિકતા વિકાસ પામી ઉચ્ચતર બની હતી. ભવાઈની ભાંડનીતિથી અને રંગભૂમિ ઉપર થતી તેની ભયાનક અસરથી તેઓ ત્રાસી જતા હતા. લોકહૃદય ઉપર આણ વર્તાવતી આ ભવાઈમાં ત્યારે બીભત્સતા, અશ્લીલતા, ને ગ્રામ્યતા ઘર કરી બેઠી હતી. ભવાઈની આ મલિનતા અને જડતા રંગભૂમિના નવા વાતાવરણમાં નજરે પડતી. અધમ અભિનયોથી, અશિષ્ટ સંવાદોથી, નેહનાં નખરાંથી ને વિદૂષકની વાચાળતાથી વિકૃત માનસનો પ્રેક્ષક વર્ગ ખૂબ પ્રસન્ન થતો, અને નાટકના વસ્તુ ઉપર વારી જતો. રસિકડા રમણભાઈને આ બધું અસહ્ય લાગ્યું. તેમણે સંસ્કૃત નાટ્યસાહિત્યને નિરખ્યું હતું, ને તેના નાટ્યશાસ્ત્રને ય અવલોક્યું હતું. ગુજરાતીની માતામહી સરખી સંસ્કૃત ભાષાનાં નાટક તો તેમને રસપ્રદ અને શિષ્ટ લાગતાં; તો પછી ગુજરાતી રંગભૂમિમાં આ ભીષણ બીભત્સતા શી ? નાટક કેવળ જનમનના રંજનાર્થે જ ન હોઈ શકે; તેનો ગૂઢ પણ અંતિમ ઉદ્દેશ તે નીતિને પોષવાનો અને માનવજીવનને ઉન્નત કરવાને હોય. તો આ નીતિવિમુખતા ને અશ્લીલતા ગુજરાતી રંગભૂમિ ઉપર શી રીતે નિભાવી લેવાય ? રણછોડભાઈનો રસિક સંસ્કારી