પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કેશવલાલ ધ્રુવ : સાહિત્ય-જીવન (૨)
૨૪૯
 


કાળક્રમે તેમનાં અન્ય પુસ્તકો ઉપર આવું છું; અને તેમાંયે સ્થળસંકોચના કારણે આ લેખમાં તો ‘પરાક્રમની પ્રસાદી’ જ મુખ્ય વિષય બનશે.

અમરુ ને જયદેવના અભ્યાસીને હવે કવિકુલગુરુ આકર્ષે છે. કાલીદાસના સાહિત્યસરોવરમાં સ્નાન કર્યા વિના સાચો સાહિત્યસેવક સંતોષ પામે ખરો ? પણ કાલીદાસ એટલે તો કવિશિરોમણિ. તેના સાહિત્યજળમાં ડૂબકી મારી તેના પ્રવાહને ગુજરાતી ભાષાભૂમિ ઉપર ઉતારવો તે અતિ કઠિન કાર્ય લાગે છે. અંતે પરિસ્થિતિ ધ્રુવસાહેબને પ્રેરણા આપે છે, મિત્રો તેમને પ્રેત્સાહન દે છે, અને મન સંકલ્પ કરે છે. પણ એ કવિવરની રસભરી બાનીના ભોક્તા ગુજરાતને બનાવવા માટે ક્યાંથી પ્રારંભ કરવો ને શી રીતે કરવો ? કેશવલાલભાઈને મન ભાષાંતર એ કેવળ શબ્દપલટો નથી, કે શબ્દકોષથી સાધ્ય થતું વેઠનું કાર્ય નથી. વિશેષમાં, સંસ્કૃત કવિઓની કૃતિને સમર્થ ને સફળ રીતે સ્વભાષાના સ્વાંગ સજાવવામાં જ તેમનું કર્તવ્ય સમાપ્ત થતું નથી. સ્વભાષામાં આ ભાષાંતરના કલાકોવિદને વધારવાં છે મૂળ કવિના શબ્દદેહનાં સૌન્દર્ય, તેને રક્ષવાં છે ભાવનાં રહસ્ય, અને સાચવવી છે છન્દની સુયોગ્ય મનોહરતા. પણ આટલાથીયે તેમના કર્તવ્યને અવધ નથી આવતી. કાલિદાસ જેવા સંસ્કૃત સાહિત્યના કેટલા નાના મોટા સેવકો વિસ્મરણના મહા વાદળ પાછળ છુપાઈ ગયા છે, કે અંધકારની ખીણમાં અદીઠ બન્યા છે. સંસ્કૃત સાહિત્યના વિષમ અરણ્યમાં કાંઈ પગથી મળે, કે પગદંડો જડે તો આગળ વધાય. કાલીદાસની કવિત્વશક્તિ પાંગરી ને પ્રફુલ્લી ક્યાં, ક્યારે અને ક્યા પ્રકારે ? તેનો મનોવિકાસ શી રીતે આપવો ? તેના પુસ્તકોની આનુપૂર્વી શી રીતે