પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦
સાહિત્યને ઓવારેથી
 


જાણવી? તેની અમર કૃતિઓનાં શુદ્ધ સનાતન સ્વરૂપ શી રીતે નિરખવાં ? તેના શબ્દદેહને તેના સ્થૂલદેહ સાથે શું સંબંધ હશે ? આ બધું સંપૂર્ણ જાણવાની કે નિશ્ચિત સ્વરૂપે નિરખવાના કેશવલાલભાઈને કોડ થાય છે. કર્તવ્યપરાયણતા ને જિજ્ઞાસા ભાષાંતરકારને સંશોધક અને પંડિત થવા પ્રેરે છે. પહાડ જેવી એ બધી મુશ્કેલીઓ અને વિંંધ્ય જેમ વધતા જતા તેમના અભિલાષો; બંનેનો મેળ કેમ ખાય ? અંતે સંયોગો તેમને આત્મમંથનનના માર્ગે વાળે છે.

રઘુવંશ અને કુમારસંભવ એ તો મહાકાવ્યો રહ્યાં. સર્ગસર્ગના વ્યાપક છંદ, વિશાળ વસ્તુ, ઉચ્ચ ભાવ, લોકોત્તર પ્રસંગો, બૃહદ્ વિચારમાળા અને તેના પ્રોજ્જ્વલ તથા ઐતિહાસિક અંશો; આમનાં યોગ્ય મૂલ્ય આંકવાનું કાર્ય કેશવલાલભાઈને વધુ કઠિન લાગે છે. “ના, ના, ત્યારે મહાકાવ્ય તો નહિ જ. “મુદ્રારાક્ષસ’ને લીધે નાટકનો માર્ગ તો જાણીતો છે; લાવ ત્યારે નાટક તરફ જ વળુ; એમ હૃદય શીખ દે છે, ને મન સાખ પૂરે છે. સંદિગ્ધ વિષયોમાં તે કાલીદાસે કવ્યું છે તેમ, અંતઃકરણને જ પૂછવું રહ્યું ને ?

‘ત્યારે માલવિકાગ્નિમિત્ર લેઉં ? આ પણ નહિ; તેના બીજા અંકમાં તો સંગીતના પારિભાષિક શબ્દો આવે છે, ઇતિહાસ તેની પશ્ચાદભૂમિ હોવાથી તેના ઐતિહાસિક અંશો નક્કી કરવા પડે; અને છતાંયે તે વિક્રમોર્વશીય જેટલું ઊર્મિપ્રધાન નહિ, ને શકુંતલા જેટલું ઉદાત્ત કે સર્વાંસુંદર નહિ. તો પછી માલવિકાગ્નિમિત્ર શા સારું ? ત્યારે શું શાકુંતલ લેવું ? શાકુંતલ તે પોતે જ ખૂબ લાંબું; ને તેમાં તેની ત્રણ ભિન્ન ભિન્ન વાચનાઓ રહી કે જે મેળવવી પણ મુશ્કેલ થઈ પડે. વિશેષમાં