પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : સાહિત્ય અને ચિંતન
 

આ ભાવનામાં કોઈ પણ મહત્તા પરાયી ન હોય. પછી સરસાઈનો પ્રશ્ન જ રહેતો નથી; સાચી આર્યતાને મહમદની મહત્તા કે ઈસુનું ઐશ્વર્ય પરાયાં નથી-હોવાં ન જોઈએ.

અને પાંચ હજાર વર્ષનો પ્રશ્ન પણ આપણી વિદ્યાપ્રણાલિને અંગે જ ઊભો થાય છે. શોધખેાળમાં આનંદ પામતી આજની અભ્યાસ વૃત્તિએ શોધી કાઢ્યું કે મહાભારતના યુદ્ધને પાંચ હજાર વર્ષ થયાં. શોકસંવિગ્ન માનસવાળા ધનુષ્યબાણ ત્યજીને બેસી પડેલા અર્જુનને

क्षुद्रं हृदयषबल्ल्यं त्यक्तवोत्तिष्ठ परंतप । (२–३)

હાકલ કરી ઊભો કરી દેનારા એ ગીતા આજ પાંચ હજાર વર્ષે પણ કૈંક ગળીઆઓને ઊભા કરી શકે છે એ સત્ય અભ્યાસીની ટૂંકી દૃષ્ટિને તો બહુ મહત્ત્વનું લાગે જ. પાંચ હજાર વર્ષ સુધી જે બોલનું બળ ઘસાય નહિ એ બોલ પણ મહાબોલ છે એમ કહેતાં તે વર્ષોને આગળ કરે તો તેમાં આપણી વિકસેલી ઐતિહાસિક અભ્યાસવૃત્તિ જ કારણભૂત છે. બાકી कालोस्मि તરીકે પોતાને ઓળખાવતા ગીતાકારને પાંચ હજાર વર્ષોંના હિસાબ શો ?

बहूनि मे व्यतीतानि जन्मानि तब चार्जुन (४–५)

એમ ચોખ્ખું ઉચ્ચારનારની સાથે પ્રાચીનતાનો મોહ કેમ કરીને સંગમ બનાવી શકાય ? કલ્પ, વિકલ્પ અને સર્ગ-વિસર્ગની કથાઓ ગાતા, સાંભળતા આર્યોને વર્ષોનો ઢગલેા મોહીત તો ન જ કરે. સાચા બોલ, સમર્થ બોલ, જીવનને જાગ્રત કરનારા બોલ, જીવનને ઉન્નત કરનારા બોલ આજના હોય કે પાંચ હજાર વર્ષ પૂર્વના હોય તેા પણ તે આપણા જ છે, પૂજનીય છે, સ્મરણીય છે. એવા આ બોલનો સમર્થમાં સમર્થ ઉચ્ચાર એ ગીતા. પાંચ હજાર વર્ષ ઉપરના પણ ખરા અને એથીયે જૂના આજના ય ખરા, અને નવીનમાં નવીન. હજી એની નવીનતા ઘટી નથી.

इमं विवस्वते योगं प्रोक्तवाजहमव्ययम्
विवस्वान मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् (४-१)