પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાતચીતની કલા : ૧૭૫
 


રમૂજી મિત્રોની રમૂજી વાતચીત ઘણી વાર આપણને રડાવી ઊઠે છે. એથી પણ વધારે મુશ્કેલી એ થાય છે કે રુદન – ઊભરાતા હૃદય સાથે આપણે આપણા મુખસ્નાયુઓને સ્મિતના આકારમાં વારંવાર વાળવા પડે છે. સુંદરમાં સુંદર મુખ પણ આવે પ્રસંગે ભયંકર કુરૂપતા ધારણ કરે છે. સાંભળનારના મુખને કુરૂપ બનાવી દેતી વાતચીત કલા તો ન જ કહી શકાય !

સમયને, સમયની મર્યાદાને વાતચીતની કલા સાથે ગાઢ સંબંધ રહેલો છે. અભ્યાસની આપ–લે એ જુદો પ્રશ્ન છે. પરંતુ અંગતમાં અંગત માનવીઓ વચ્ચેની વાતચીતનો રસ પણ અડધા કલાકથી વધારે ચાલી શકતો નથી એમ માનવું અને વર્તવુ – એમાં સહુની સાથે કલાની પણ સલામતી રહેલી છે. પ્રેમીઓ પણ અડધા કલાકથી લાંબી વાતચીત ન ચલાવે તો પ્રેમપ્રવાહ ઓછો તૂટક થશે.

બે મિત્રો રસ્તે આનંદપૂર્વક જતા હતા. બીજા બે મિત્રો સામે મળ્યા અને ચારે જણ ટોળે વળી ઊભા. વાતચીતનું સ્વરૂપ જ સર્પ કે માછલી સરખું ચપળ હોય છે. વાતચીત ક્યાંથી ક્યાં ચાલી જાય એનો અંદાજ રાખવો બહુ મુશ્કેલ છે. કોણ જાણે કેમ પણ ચા ઉપર વાતચીત કેન્દ્રિત થઈ. એમાંના એક મિત્ર ચાના કટ્ટર વિરાધી હતા – જો કે ચા સિવાય બીજું બધું જ પીતા – અને તેમની આ વિરેાધી વાતચીતનું સપ્તક એટલે ઊંચે ચડ્યું કે તેમના પ્રત્યે રસ્તે જનાર સહુનું ધ્યાન દોરાયું, અને જાણે તેઓ ચા વિરુદ્ધ ભાષણ આપતા હોય તેમ તેમની આસપાસ ટોળું ભેળું થઈ ગયું. આસામના બગીચામાં થતા જુલ્મનો ચિતાર આપતાં તેમની વાતચીત એટલી રસપ્રદ બની ગઈ કે લોકોએ તાળીઓ પણ પાડી ! એક દોડતી ગાયે અને પોલિસના સિપાઈએ ટોળાને વિખેરી નાખ્યું ન હોત તો ચા–વિરોધી વાતચીત સાંભળવા આખું ગામ એ રસ્તા ઉપર ભેગું થયું હોત !

ચાનો વિરોધ ભલે થાય ! રસભરી રીતે જરૂર થાય, જુલ્મોની જાહેરાત થવી જ જોઈએ. પરંતુ સરિયામ રસ્તો અવરજવર માટે, હલન- ચલન માટે, વાહનવ્યવહાર માટે સામાન્યતઃ વપરાય છે;