પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



રાજકીય પ્રતિનિધાન

દુનિયા સાંકડી થતી જાય છે, રાષ્ટ્રો પરસ્પર નિકટ સંબંધમાં આવતાં જાય છે. પ્રજાઓમાં પરસ્પર ગરજ અને જરૂર વધતી જાય છે. યુદ્ધ માટે અને શાંતિ માટે એક રાજવહીવટને બીન રાજવહીવટ ઉપર ઘણો આધાર રાખવો પડે છે. એવા વર્તમાન યુગમાં રાજકીય પ્રતિનિધાનનું તત્ત્વ અતિશય મહત્ત્વ ધારણ કરતું જાય છે. પરદેશ અને પરરાજ્ય સાથે સબંધ બાંધનાર અને સંબંધ સાચવનાર અંગ તરીકે આ પ્રતિનિધાન પ્રત્યેક દેશના રાજ્યશાસનનું એક મુખ્ય અંગ બનતું જાય છે.

કૌટિલ્ય અને પ્રણીધી મંડળ કહે છે. પશ્ચિમની અસર તળે આપણે સહુ એને Embassy–Consulate, Lcagation, Charged Affairs, Envoys, Deplomatic Agencies – વગેરે નામોથી આપણે એળખીએ છીએ. એથી જૂનાં નામોમાં આપણે આવી સંસ્થાને એલચી અગર વકીલ મંડળ તરીકે ઓળખતા હતા, જે નામો હવે કોઈને ગમતાં નથી – આપણને પણ નહિ અને પ્રતિનિધિઓને તો નહિ જ. વિષ્ટિકાર, સંધિવિગ્રાહક, પ્રતિનિધિ, એવાં એવાં નામ પણ આપણે વપરાતાં જોઈએ છીએ. આપણા સ્વરાજ્યમાં હવે આ વર્ગનું કયું નામ અપાય છે એ જોવાનું રહ્યું. એટલું ચોક્કસ કે આ સંસ્થા ભારે મહત્ત્વ ધારણ કરતી જાય છે અને એ સંસ્થામાં યોજાયેલા કાર્યકરોમાં વિશિષ્ટ પ્રકારના ગુણ, વિશિષ્ટ પ્રકારની આવડત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જરૂરી બનતું જાય છે. પરદેશના ઘનિષ્ટ સબંધમાં આવતું પ્રત્યેક રાજ્યશાસન હવે આ પરદેશ–પ્રતિનિધિઓનું મહત્ત્વ સ્વીકાર્યા વિના રહી શકે એમ નથી.

રાજ્યશાસનના ઉદ્દેશ સામાન્યત: આટલા જ હોય:

(૧) રાજ્ય સીમાના આંતરપ્રદેશમાં શાંતિસ્થાપના અને ચોર લૂંટારા, ગુન્હેગારો અને રાજ્યદ્રોહીઓથી રક્ષણ.