પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનો માર્ગ :૨૫
 

કોઈ ગઢવી કે ચારણને મુખે ઉચ્ચારાતા દુહા, સોરઠા અને છપ્પા, સવૈયા પણ તમે જરૂર સાંભળ્યા હશે. મેરૂભા કે દુલા કાગ જલસાઓમાં આકર્ષક દુહાઓ આપણને વર્ષોથી સંભળાવી રહ્યા હતા. એ બીજું કાંઈ નથી, એ સાહિત્ય છે.

અને વાર્તા ? વાર્તા સાંભળી ન હોય એવો કોઈ માનવી પૃથ્વી ઉપર ખોળ્યો જડે એમ નથી. વાર્તા તમે પણ સાંભળી હશે અને કહી પણ હશે. આપણી દાદીમાએ વાર્તા કહી આપણને એકચિત્ત કરી દેતી હતી એ સહુનો અનુભવ છે. આપણા ગુજરાતમાં તો એક એવી કોમ જ છે કે જેની વાર્તાશૈલી આપણને કલાકોના કલાક સુધી તલ્લીન બનાવે. એ કોમ તે આપણા ચારણો અને બ્રહ્મભટ્ટો–આપણા પેઢીધર સાહિત્યકાર.

હવે છાપકામ વધી ગયું છે એટલે વાર્તાઓ સાંભળવા ઉપરાંત વાંચવાની પણ આપણને સગવડ મળી ગઈ છે. નવરાશમાં આપણે ફાવે તે સ્થળે–રેલગાડીમાં કે ઘેર–વાર્તાની ચોપડી વાંચી આપણો વખત ઠીકઠીક ગાળી શકીએ છીએ.

આ વાર્તા શું એ જાણો છો? એ પણ સાહિત્ય. એ વાર્તામાં પછી પરી આવે કે જીન; રાજકુમાર આવે કે રાજકુમારી; સૈનિક આવે કે સાધુ; યુદ્ધ આવે કે ત૫; આંસુ આવે કે હાસ્ય, મિલન આવે કે વિયોગ : એ સઘળું સાહિત્ય કહેવાય.

જરા થોભો. એક અંગત પ્રશ્ન પૂછું? તમે પરણ્યા છો ? પ્રભુ તમને સુખી રાખે ! તમે નથી પરણ્યા? એ શુભ પ્રસંગ હવે જલદી આવશે. અકળાવાની જરૂર નથી. પરંતુ તમે કાઈના લગ્નમાં હાજરી ન આપી હોય એમ હું માનતા નથી. અને તમારા કે અન્યના લગ્નમંડપમાં હાજરી આપો એટલે લગ્નનાં મંગલ ગીતનો ટહુકો તમારે કર્ણે ન પડયો એમ બનેજ નહિ. તેમે ખાતરી રાખજો એ લગનગીતોમાં સાહિત્યનો સંભાર ભર્યો હોય છે.

અને ભજનની ધૂનમાં તમે કદી ડોલી રહ્યા છો ? પ્રભુની કૃપાયાચના, પ્રભુનાં સ્મરણ, પ્રભુની મહત્તા કે એકતાનાં ગીત ઢોલક, મંજીરા કે એકતારા સાથે ગવાતાં હોય, એ ભજનના ભાવ સાથે તમે એકરૂપ બની ગયા હો ત્યારે ભજન પણ એક ભવ્ય સાહિત્ય બની ગયું હોય છે એ જાણો છો?