પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : સાહિત્ય અને ચિંતન
 

મુખડા કયા દેખો દર્પનમેં

એમ કબીર ભલે ગાય. આપણે તો દર્પણ મુખ જેવાના જ. પ્રતિબિંબ બતાવવું એ આયનાનો ધર્મ.

તમને નથી લાગતું કે સાહિત્ય પણ આપણા જીવનનું પ્રતિબિંબ છે? જે માર્ગ માનવજાતનો તે જ માર્ગ સાહિત્યનો. હવે આપણે કહી શકીએ કે સાહિત્ય એ માનવીની વાણીપ્રવૃત્તિ, માનવીમાં જોર હોય તો જોરદાર વાણી ઉચ્ચારાય; માનવી રોતલ હોય તો વાણીમાં રુદન આવે.

અને વાણી દ્વારા માનવ-સૃષ્ટિનું જે પ્રતિબિંબ રચાય છે એ સાહિત્ય એનો માર્ગ સરળ છે. જેવું જીવન તેવું સાહિત્ય.

માટે જ મારી વિનંતી કે સાહિત્ય અથવા સાહિત્યકારથી દૂર ભાગવા મથશો નહિ એ તમે જ છો-એ તમારાં જીવતાં પ્રતિબિંબ છે. તમને, તમારા ભાવને અને ઊર્મિઓને સાહિત્ય આકાર આપે છે. તમારી છબી પાડી લેતું વાતાવરણ તમારી આજુબાજુ એ રચે છે. તમે એનાથી દૂર નાસી શકશો જ નહિ. તમે અને સાહિત્યકાર-પ્રજાજીવન અને સાહિત્ય એ એક જ છે. તમારા માર્ગ એ જ સાહિત્યનો માર્ગ. તમે માર્ગ ચૂકશો તો સાહિત્ય પણ માર્ગ ચૂકશે. તમને હસતાં ન આવડે, તમને રોતાં ન આવડે, તમને પ્રેમ કરતાં ન આવડે તો સાહિત્યને પણ તે કયાંથી આવડે ? જે માર્ગે માનવીનું પ્રયાણ એ માર્ગે સાહિત્યનું પ્રયાણ.

અહીં મને શરૂઆતનું ગીત યાદ આવે છે: “હરિનો મારગ છે શૂરાનો એ સાચું; પરંતુ આખી માનવ–પ્રવૃત્તિ એ શું હરિનો મારગ નથી? હરિનો મારગ એટલે પળે પળે ઉચ્ચ બનતા જવું, વિશુદ્ધ બનતા જવું, વ્યાપક પ્રેમમાં લીન થતા જવું અને સર્વ પ્રત્યે સમાનતા–એકતા અનુભવી હરિનો ઉદ્દેશ સિદ્ધ કરવો.

જો આ સત્ય હોય તો મારે કહેવું જોઈએ કે સાહિત્યને મારગ પણ શૂરાને મારગ છે.

સાહિત્ય પ્રતિબિંબ ખરું; પરંતુ માત્ર પ્રતિબિંબ નહિ. સૂર્યકિરણનું પ્રતિબિંબ પણ વસ્તુને બાળે છે અને ઉષ્મા આપે છે એ તો જાણો છો ને ? એવી જ રીતે સાહિત્ય એ પ્રેરક બળ પણ ખરું. આપણી