પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિતા : ૫૫
 

કંઠ, એની જીભ કે એની ઉચ્ચારણશકિત એને બહુ જ કામ લાગી. ઉચ્ચારણશક્તિએ એને ભાષા આપી, અને ભાષા બે પ્રકારના પ્રવાહમાં ગોઠવાઈ, એક સામાન્ય વાતચીતના નિયમ પ્રમાણે સંકળાતી શબ્દવાકયરચના-જેને આપણે ગદ્ય કહીએ છીએ; અને સામાન્ય નિયમને બાજુએ મૂકી ગોઠવાતી શબ્દવાક્યરચના જેને આપણે પદ્ય કહીએ છીએ.

જુદા જુદા દેશમાં, જુદી જુદી પ્રજાઓમાં, જુદા જુદા સમયે, જુદી જુદી ભાષાઓ કેમ ચાલે છે. એ રસમય પ્રશ્નને આપણે અહીં જતો કરીએ. એટલું જાણવું જરૂરી છે કે પ્રત્યેક સંસ્કારી ભાષામાં કવિતા હોય જ હોય. જે ભાષામાં કવિતા ન હોય એ ભાષા ખીલી જ નથી, એમ કહેવાય. પ્રાથમિક ભૂમિકામાં જીવન ગુજારતી જંગલી જાતોમાં પણ કવિતા હોય છે જ. કવિતાની કક્ષા જેટલી ઊંચી એટલી ભાષાની ખીલાવટ ઊંચી. ભાષાની કિંમત આંકવાનું માપ કવિતામાં મળે છે.

અત્રે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે :

શા માટે આવી અસામાન્ય, વિલક્ષણ, વિચિત્ર ભાષારચનાને માનવીએ આવકાર આપ્યો ? શા માટે એને મહત્વ આપ્યું ? શા માટે એનાં શાસ્ત્રો રચવાની મહેનત કરી ? દાખલો આપીને આપણે આ પ્રશ્ને વધારે સમજીએ.

ન્હાનાલાલનું આ કાવ્ય જાણીતું છે.

ઝીણા ઝરમર વરસે મેહ !
ભીંજે મારી ચુંદડલી
એવો નીતરે કૌમારનો નેહ,
હો! ભીંજે મારી ચુંદડલી.

ઝીણા મેહ ઝરમર વરસે છે! એ તો સામાન્ય વાત છે ! એને વિકૃત કરીને કવિતામાં લખવાની શી જરૂર ? કોઈપણ સ્ત્રી વરસાદમાં ફરે તો તેની ચુંદડી ભીંજાય એ સહજ છે. એમાં જાહેરાત કરવાની જરૂર શી? વરસાદમાં ફરે એ જાતે પણ ભીંજાય અને એનાં કપડાં પણ ભીંજાય પછી તે ચુંદડલી હોય કે જભ્ભો હોય. વળી ચુંદડી જેવા સીધા શબ્દને “ચુંદડલી'માં ફેરવી નાખવાનો કોઈ અર્થ ?