પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનું સ્થાન : ૮૭
 

આપણને ગમતો પ્રસંગ, એક સારો, આપણને ગમે તેવો વિચાર કે એક સારી, આપણને ગમે એવી ઊર્મિ સારા શબ્દોનો આકાર લે એટલે સાહિત્ય સર્જાય.

સાહિત્ય અને સાહિત્યકાર

સાહિત્ય એટલે સારો શબ્દ કે શબ્દસમૂહ-શબ્દગુચ્છમાં ગુંથેલી સારી ઊર્મિ કે સારી પ્રસંગપરંપરા.

સાહિત્ય હવે અઘરું તો નહિ જ લાગે, ખરું?

સારા શબ્દમાં પ્રસંગોને, ઊર્મિને, વિચારને, કલ્પનાને ઉતારવાની જેનામાં શક્તિ હોય એ સાહિત્યકાર, એ આપણા સરખો જ માનવી છે, એનામાં આપણા સરખા જ ગુણ હોય છે અને દોષ હોય છે. સામાન્ય માનવીને લાગણીઓ થાય છે, એ જ લાગણીઓ એને પણ થાય છે. સામાન્ય માનવી બોલે છે એ જ ભાષા સાહિત્યકાર પણ બોલે છે. એટલે સાહિત્યકારની આસપાસ આપણે વાણીની ચાંપલાશ, ન સમજાય એવા વિચારો કે કલ્પનાનું ધુમ્મસ, લાકડી મારીને સમજાવવી પડે એવી કષ્ટપ્રદ ઊર્મિ કે ચિંતન જોવા પ્રેરાઈએ તો તે બરાબર નથી. આપણી સામાન્ય વાણી અને સાહિત્યકારની વાણીમાં માત્ર એટલો જ ફેર કે સાહિત્યકાર અભ્યાસથી કે પ્રેરણાથી એવી વાણી વાપરે છે કે જેમાં બળ હેાય, તેજ હોય, નવી નવી કલ્પનાઓ ઉઘડે એવી વિશાળતા હોય, અને પુષ્પ જેવી સુકુમારતા હોય. સામાન્ય વાણી બોલાઈને ભૂલી જવાય છે. સાહિત્યકારની વાણી સંગ્રહી રખાય છે. આપણા હૃદયમાં ભક્તિભાવ ઉભરાય ત્યારે આપણે કહીએ :

હે પ્રભુ, તું વ્યાપક છે, તારી લીલા અપાર છે, તારી કળા કળાતી નથી.

જ્યારે નરસિંહ મહેતા સરખા સાહિત્યકારની વાણી છંદમાં ઊતરી આજ પાંચસો પાંચસો વર્ષથી સંભાળી સાચવી રાખવા જેવી શબ્દાંજલિ અર્પે છે કે

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
જૂજવે રૂપે અનન્ત ભાસે,