પૃષ્ઠ:Samarangan.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
90
સમરાંગણ
 

 બ્રહ્મચારીઓનું હતું.

કવાયત કસરતોમાં આઠસો જોગીઓની જમાતને ચકિત કરે તેવાં સામર્થ્ય દેખાડીને જ્યારે એ અર્ધસંસારી યુવાન ગુરુદેવની પાસે ચરણરજ લેવા આવતો ત્યારે એની પીઠ પર પંજો મૂકીને ગુરુ એનું મોં તપાસતા, પછી મશ્કરી કરતા : “અબ તક તો તેરી મૂછડિયુંને વળ નહિ ઘાલ્યા હૈ, હો બચ્ચા ! અબ તો તેરે યહીં ઠેરનાં હૈ ન !”

યુવાન ગમગીન બની જતો. હજુ ય મૂછોએ વળ નથી ઘાલ્યા. ઘેર જઈ શું કરું ! માતા એ વાતનો ભેદ સમજાવશે નહિ. આટઆટલી વ્યાયામ-કળામાં પ્રવીણ બન્યો છતાં મૂછો હજુ કેમ જલદી વળ ઘાલતી નથી ?

“લે જા, અબ તો જલદી જલદી તેરી મૂછડિયાં વળ ઘાલેગી, ને નહિ ઘાલેગી તો મેં તું ને, મેં તેરી મૂછડિયાંકુ ચામડી ચીરકે બહાર નિકાલ દૂંગા, માલુમ સે ને !”

ગુરુદેવ એક આ જુવાનની સાથે બોલતા ત્યારે જ હિન્દી સૌરાષ્ટ્રી ભાષાને એકસાથે કચરીને કચુંબર કરતા. પોતાના વતનની વાણીનો આટલો ભેળસેળિયો ઉચ્ચાર સાંભળવામાં યુવાન પોતાના ઉર-સંતાપનું શમન અનુભવતો. ગુરુદેવનાં ચરણોમાં એ આખો ય દેહ લંબાવીને દંડવત્ કરતો. એને ફક્ત એક જ ગમ રહેતી, કે ગુરુદેવ ગમે તેમ કરીને પણ હવે તો ટૂંક મુદતમાં જ મારી મૂછડીએ વળ લાવી દેવાના છે.

બાર વર્ષોના પરદા પડી ગયા હતા. તો યે યાદ હતી બે-ત્રણ વાતો : એક તો માતૃભૂમિનો રંગમતી-આરો, કે જ્યાં પોતે માને ધાવણે ધરાઈધરાઈ મોટો થયો હતો : બીજું નહોતું વીસરાયું માનું મોં, જેણે પિતાની તોછડાઈથી એકલતા શોધી હતી : ને ત્રીજો નહોતો વીસરાતો એક દોસ્ત, જેના પગ હેઠળ પોતે આશાપરાને થાનકે ઘોડી બન્યો હતો. યમુના અદ્વિતીય હતી, પણ માભૂમિ તો પ્યારી હતી. જમાતના એકધારા લશ્કરી જીવનમાં એને જંપ નહોતો, કેમ કે ત્યાં સ્નેહ નહોતો; પિતાનો, પાલકનો, પરગજુઓનો સદ્‌ભાવ હતો. હેતુ વગરનું જીવન હતું. કુમાશ