તેટલો દબાવતા રહીએ.”
લોમા ખુમાણના મન પરથી આ બધી વિચારકણીઓ ધૂળમાં દડી ગઈ છે એ તો જેસા વજીરે સમજી લીધું હતું. આ પાકે ઘડે કાંઠા ચડાવી શકવાની આશા એણે છોડી દીધી. ગામ પછી ગામ આવતાં ગયાં. ગામેગામના લોકો આ અપૂર્વ વિજય કામી આવેલી સોરઠી ફોજનાં સામૈયાં કરતાં ગયાં. ગામડે ગામડેથી નમૂછિયા ને મુછાળા, નાના ને મોટા સેંકડો જુવાનો જૂથ બાંધીને જેસા વજીર પાસે નવાનગરની ફોજમાં નોકરી માગતા ઊભા રહ્યા. ગામેગામના લોકોએ આ વિજયવંતી ફોજમાંથી પોતપોતાના ન્યાતીલા કયા કયા જુવાનો હજુ કુંવારા છે તેની શોધાશોધ કરવા માંડી. વેવિશાળોની વાટાઘાટ રસ્તામાંથી જ ચાલવા લાગી. ઉંમરલાયક દીકરીઓના બાપ આવી આવીને જેસા વજીરના અંગરખાના છેડા ઝાલી વીનવવા લાગ્યા. ને ગામગામની છોકરીઓ ય ક્યાં કમ હતી ! એ પણ પોતપોતાના મનથી વર નક્કી કરતી કરતી ગામ-પાદરમાં નદીનવાણો પર નાતીધોતી કે પાણી ભરતી, છાણ વિણતી કે ઓરિયામાંથી માટી ખોદતી આ સૈન્યના વિજયોત્સવમાં પોતાના પ્રાણનાં લીલુડાં તોરણો બાંધતી હતી.
“ઓલ્યો, ઓલ્યો, ઓલ્યો શીળિઆટા ઘોબાવાળો તમારો, હોં જસુબા!” એક હસતી.
"છે !” એ છોકરી અંગૂઠો બતાવીને કહેતી : “રાણકીબા, ઓલ્યો બાડી આંખવાળો તમારો.”
“અરે મણિબા !” ત્રીજી કહેતી : “ઓલ્યો જેનો કોણીએથી હાથ જ કપાઈ ગયો છે ને, એ તમારે ઠીક પડશે. તમે છો એક રિસાળવાં. એ અડબોત મારવા આવશે તો હાથ વગરનો ઊભો થઈ રહેશે !”
“પણ એ ડાબેરી હશે તો !” મણિબા પોતાના ભાવિ સંસારનું એક ચિત્ર દોરી નાખતી : “તો એના ડાબા હાથની થોંટ વધુ ભારી પડે ને !”
“એ કરતાં ઓલ્યો પગ-કાપલો ઠીક. મારવા ઊઠે ઇ મોર્ય તો