પૃષ્ઠ:Samarangan.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
106
સમરાંગણ
 

 પોતાની જયવંત ફોજને પગલે પગલે એ તમન્નાનાં કંકુ વેરતો વૃદ્ધ વજીર લોક-સંઘને આંગળી ચીંધતો ગયો કે મને ડોસલાને શીદ ફૂલ ચડાવો છો, ભાઈ ! જુદ્ધનો જીતણહાર તો જુઓ આ રહ્યો અજો કુંવર; અને બીજા જુઓ આ રહ્યા એના જવાંમર્દ પાડોશી – કાઠીરાજ લોમા ખુમાણ. હું તો એ મોરનું પીંછડું છું. જુવાન સોરઠિયાઓ ! દીવાની વાટ્યું વણાઈ જાય એવા તમે સૌ એ તેજના દીવા અજા કુંવરની ફરતા જૂથરૂપે વણાઈ જજો. હજી તો વધારે કઠણ વેળા હાલી આવે છે.”

હરેક ઠેકાણે વજીરે એ રીતે અજા કુંવરને આગળ કર્યો. લોમા ખુમાણને આ બાબત ખટકનારી બની. નમૂછિયા એક છોકરાનું ગૌરવ ટોચે નીકળતું હતું. પહાડ સરીખો પોતે કાઠી, તે એક છોકરાની ને એક બુઢ્‌ઢાની આડશે ઢંકાઈ ગયો.

જોદ્ધાઓને વધામણે ઊમટેલું જામનગર બીજા રત્નાકરનું રૂપ ધરી રહ્યું હતું. સામૈયાની મોખરે સતા જામ પોતે હાથીની અંબાડીએ બેઠા હતા. લોમા ખુમાણને ભેટ્યા, જેસા વજીરને બાથમાં ઘાલ્યા, પણ કુંવર અજાજીએ જ્યારે બાપાના પગમાં હાથ નાખ્યા ત્યારે સતા જામે માથે હાથ મૂકી ‘જીવતો રહે’ એટલું ય ન કહ્યું. શત્રુઓને કોડીનારની સાગરપટ્ટી સુધી તગડીને ઠમઠોરવામાં કુંવર અજોજી મોખરે હતા એવીએવી ઘણીય પરાક્રમ-કથાઓ જેસા વજીરે જામને કહી. છતાં પિતાએ પુત્રની સામે જોયું નહિ. આખર ટાણે એક જ ટોણો ઉમેરી દીધો કે “કયો મુલક જીતીને લાવ્યા છો ? તસુય ધરતીનો ઉમેરો થવાનો નહોતો એવા મફતના મામલા મચાવવાની મને તો ઝાઝી હોંશ નહોતી. બાકી બાપનું વચન ઉથાપીને ચોરીથી તમારી સાથે ભાગી નીકળનાર દીકરાનો શો ભરોસો ?”

કુંવર ચૂપ રહ્યો. એના કલેજામાં તો મોટી ભેખડો ફસકી પડી.

નગરજનોના ધન્યવાદો લઈ લીધા પછી દરબારગઢમાંથી જેસા વજીરને ખસી જવું હતું. પણ લોમા ખુમાણની વાતોના તડાકા ખૂટતા નહોતા.